હાથીજણમાં જીવ લેનાર પાલતું શ્વાનના માલિકની ધરપકડ, શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું
Rottweiler Dog owner Arrested: હાથીજણ સર્કલ પાસેની રાધે રેસિડન્સી નામની સોસાયટીમાં સોમવારે રાતના સમયે પાલતું રોટવિલર શ્વાને ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને માસૂમ બાળકીને લોહીલુહાણ કરી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
પાલતુ શ્વાને અગાઉ પણ લોકોને બચકા ભર્યા હોવાના સ્થાનિકોના આક્ષેપો
પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક રાધે રેસિડેન્સીમાં રહીશે તેમના પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. અગાઉ કૂતરાના કારણે સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. સોસાયટીમાં જે તે વખતે એક મહિલાને અગાઉ કૂતરુ કરડયું હોવાથી કૂતરુ અહીં નહીં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્ય દિલીપભાઈને કૂતરા બાબતે વારંવાર કહેવા છતાં કોઈ પણ જરૂરી પગલાં ભર્યા નથી. ગંભીર બેદરકારીના કારણે નાની બાળકીનું મોત થયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જાહેર સ્થળો ઉપર પાલતુ કૂતરાં લઈ જવા ઉપર નિયંત્રણ આવશે, પેટ ડોગ રાખવા નિયમો વધુ કડક બનશે
મ્યુનિ.ટીમે રોટવિલરનો કબજો મેળવ્યો
દીલીપ પટેલ દ્વારા રાખવામાં આવેલા પાલતુ કૂતરાં રોટવિલરે ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી હતી. પેટ ઓનર્સે ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યુ ન હતું. ઘટના પછી મ્યુનિ.ની ટીમ મંગળવારે સવારે ઘટના સ્થળ ઉપર પહોંચી એ સમયે પેટ ઓનર્સ ફલેટને તાળુ મારી કરાર થઈ ગયો હતો. આ પાલતુ કૂતરાને મેમનગર રાખવામાં આવ્યો હોવાની માહિતી મળતા મેનગર ખાતેથી કૂતરાનો કબજો લઈ દાણીલીમડા ઢોર ડબા ખાતે મોકલી અપાયો હોવાનુ સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહ્યું હતું.
પેટ ડોગનો બલ્ડ સેમ્પલ ટેસ્ટ કરાશે
મ્યુનિ.દ્વારા પેટ ડોગ રોટવિલરનો કબજો મેળવાયા પછી તેના બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટ કરાશે. કયા કારણથી તેની બિહેવીવર બદલાઈ એ અંગેની તપાસ પણ કરાશે.
આ પણ વાંચો: પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલિસી: અમદાવાદમાં 50 હજાર સામે માત્ર 5520 પાલતુ કૂતરાંની નોંધણી
રોડવિલર બ્રિડ ખૂબ જ આક્રમક હોય છે
- સૌથી જૂની હયાત પ્રજાતિમાં રોટવિલરનો સમાવેશ થાય છે.
- રોટવિલર મૂળ જર્મનીની બ્રિડ છે. 19મી સદી અગાઉ કસાઈઓ દ્વારા તેનો ઉપયોગ મૃત પ્રાણીઓને ખેંચવા માટે થતો હતો. તે આલ્પ્સના પર્વત પણ ચઢી શકતા.
- વિશ્વયુદ્ધ વખતે તેનો ઉપયોગ મેસેન્જર, એમ્બ્યુલન્સ, સંરક્ષણ માટે થતો હતો.
- આ બ્રિડ તેની વધુ પડતી આક્રમક્તા અન્ય પર નિયંત્રણ કરવા માટે જાણીતી છે.
- અમદાવાદમાં આ બ્રિડની કિંમત અંદાજે રૂપિયા 30 હજાર જેટલી છે.