પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત
Porbandar Dog Attack: ગુજરાતમાં અનેકવાર શ્વાનનો આતંક જોવા મળે છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાંથી સામે આવ્યો છે. જેમાં શ્વાનના ટોળાઓએ બે મહિનાના બાળકનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, ચારથી પાંચ શ્વાન દ્વારા બાળક પર જીવલેણ હુમલો કર્યા બાદ તેનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
શું હતી ઘટના?
પોરબંદરના કુતિયાણાના કોટડા ગામે વાડી વિસ્તારમાંથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ચાર જેટલાં શ્વાને આવીને હુમલો કર્યો હતો. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પરિવારે તાત્કાલિક બાળકને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. હાલ, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું છે.
બે મહિનાના બાળકનું મોત
આ વિશે વધુ માહિતી આપતા બાળકના પરિજને કહ્યું કે, 'અમારૂ બાળક બે મહિનાનું હતું અને તે ઘોડિયામાં સૂતું હતું. ત્યારે અચાનક શ્વાનનું ટોળું આવ્યું અને તેના પર ઘાતકી હુમલો કરી દીધો. સૌથી પહેલાં બાળકનું માથું પકડ્યું અને ઘોડિયામાંથી તે નીચે પટકાયું. અમે તુરંત દોડી આવ્યા અને શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો. શ્વાનને ત્યાંથી ભગાડીને અમે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લાવવા રવાના થઈ ગયા. જોકે, હોસ્પિટલમાં લાવતા સુધીમાં તો બાળકે જીવ ત્યજી દીધો હતો.'
આ પણ વાંચોઃ AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટાચૂંટણી
નોંધનીય છે કે, આ પહેલાં પણ પોરબંદરના કુતિયાણામાં અવાર-નવાર આવા શ્વાનના આતંકની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. હજુ એક મહિના પહેલાં જ કુતિયાણામાં એકસાથે 14 લોકોને શ્વાનના કરડવાની માહિતી સામે આવી હતી. ત્યારે પણ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, એ વાતનો હજુ મહિનો પણ નથી થયો ત્યાં શ્વાનના આંતકથી એક બાળકનો જીવ ગયો. તેમ છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માટે રસ દાખવતું નથી.