ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ
Kadi-Visavadar MLA: ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યોએ બુધવારે (16 જુલાઈ) ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ હતી બેઠક?
કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. વિસાવદર બેઠકની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ગુજરાત વિધાનસભામાં AAPની ધારાસભ્યોની સંખ્યા ફરીથી પાંચ થઈ ગઈ છે.
ગુજરાત વિધાનસભામાં AAPના 5 ધારાસભ્યો
1- ગોપાલ ઈટાલિયા, વિસાવદર
2- ચૈતર વસાવા, દેડિયાપાડા
3- સુદિપ કુમાર રમેશચંદ્ર કિકાણી, લાઠી
4- હેમંત ખવા, જામજોધપુર
5- ઉમેશ મકવાણા, બોટાદ ( AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે)
AAP એ ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે
મહત્ત્વનું છે કે, બોટાદથી AAPમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમને AAP દ્વારા પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે AAP પછાત સમુદાયોના નેતાઓ અને કાર્યકરોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં નિષ્ફળ રહી છે. એટલે કે ઉમેશ મકવાણા હજુ પણ બોટાદના ધારાસભ્ય છે, પરંતુ તેમને AAP માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
22માં દિવસે લીધા શપથ
15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે શપથ લીધા. ચૂંટાયા તે દિવસથી લઈને આજે 22માં દિવસે ગોપાલ ઈટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા.
ધારાસભ્યોને શું લાભ મળે?
ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયા અને રાજેન્દ્ર ચાવડાને નીચે મુજબના લાભ મળશે.
1. માસિક પગાર
પગારને દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો હોય છે, પણ સામાન્ય રીતે ધારાસભ્યને સરકાર નિયમિત માસિક પગાર આપે છે. (ઉદાહરણ તરીકે ગુજરાતમાં ધારાસભ્યોને અંદાજે 70,000થી 1,00,000 રૂપિયા માસિક પગાર મળે છે.)
2. ભથ્થા અને સુવિધાઓ
- દૈનિક ભથ્થું (Daily Allowance): દરેક ધારાસભ્યને સત્ર દરમિયાન હાજરી માટે દૈનિક ભથ્થું મળે છે.
- મુસાફરી ભથ્થું (Travel Allowance): ધારાસભ્યોને ટ્રાવેલ ખર્ચ માટે સરકારી સહાય મળે છે. એરલાઈન, ટ્રેન અથવા સરકાર દ્વારા મોકલેલ વાહન મળે છે.
- રહેઠાણ (Accommodation): વિધાનસભા શહેરમાં રહેવા માટે સરકારી બંગલો કે ફ્લેટ મળે છે.
3. ફોન, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રિસિટી, વોટર બિલ
સરકાર દ્વારા મફત કે સબસિડી દરે ટેલિફોન, ઇન્ટરનેટ, વીજળી અને પાણીની સુવિધા આપવામાં આવે છે.
4. કર્મચારીઓ અને ઓફિસ ખર્ચ
ધારાસભ્ય પોતાના કચેરી માટે સહાયક કર્મચારીઓ અને ઓફિસ ખર્ચ માટે નક્કી થયેલું ભથ્થું મેળવી શકે છે.
5. પેન્શન
વિશિષ્ટ સમયગાળા માટે ધારાસભ્ય રહી ચૂક્યા પછી જીવનભર પેન્શન મળતું હોય છે.
6. આરોગ્ય સુવિધાઓ
ધારાસભ્યો તથા તેમના પરિવારજનો માટે ખાસ આરોગ્ય યોજનાઓ તથા મફત સારવારની સુવિધા ઉપલબ્ધ હોય છે.
7. MLA LAD ફંડ
દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારના વિકાસ માટે પ્રતિ વર્ષ ફંડ મળતુૂં હોય છે (જુદાં જુદાં રાજ્ય પ્રમાણે અલગ કદ). તેઓ આ ફંડથી રસ્તા, શાળાઓ, પાણીની લાઈનો વગેરે માટે ખર્ચ કરી શકે છે.