વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી
Vadodara Theft Case : વડોદરામાં ઘરફોડ ચોરીઓના બનાવ હજી પણ બની રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ઘર ફોડ ગેંગને ઝડપી પાડી છે. સીકલીગર ગેંગ સામે તાજેતરમાં જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં હજી પણ ચોરીઓ કરતી સીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરામાં ચોરીના બનાવો અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ જુદી જુદી પોલીસની ટીમો દ્વારા તપાસવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટર સામેના ગ્રાઉન્ડમાં પોલીસને જોઈ ભાગવા જતા ત્રણ બાઈક સવારને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલાઓની પૂછપરછ અને જડતી કરતા તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1.65 લાખ, 3.50 લાખના દાગીના, ચોરી કરવા માટેના સાધનો સહિતની 6 લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી.
પકડાયેલાઓમાં નામચીન સમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનસિંગ ટાંક (ભાયલી ગામ, વડોદરા)બચુ સીંગ ઉર્ફે જશપાલસિંહ દુધાણી અને મહેન્દ્ર જીતસિંગ દુધાણી (બંને રહે વિમાના દવાખાના પાછળ, વારસિયા) નો સમાવેશ થાય છે. ચોર ટોળકી દોઢ મહિનાના ગાળામાં વડોદરાના ગોત્રી ગોરવા માંજલપુર અને રાવપુરા વિસ્તારમાં પાંચ મકાનોમાંથી દાગીના રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓ ચોરી કરવાની વિગતો બહાર આવી છે.
ટોળકી દ્વારા પહેલા મકાનોને શોધવામાં આવતા હતા અને પછી ગોરવામાંથી ચોરી કરેલી મોટરસાયકલ ઉપર જઈ હાથ ફેરો કરવામાં આવતો હતો.