દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત 'પૂજા સ્પેશિયલ ટ્રેનો' શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેનો 14 થી 29 ઓક્ટોબર સુધી ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે.
દોડાવવામાં આવનારી સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલ્વે દ્વારા નીચે મુજબની ત્રણ સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દરેક ટ્રેનમાં 20 કોચ હશે:
- ઉધના–ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ (09081-09082): આ ટ્રેન 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કુલ 14 ટ્રિપ કરશે. તે ઉધનાથી દરરોજ સવારે 11:15 વાગ્યે ઊપડશે.
- ઉધના–સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ (09091-09092): આ ટ્રેન પણ 14 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તે ઉધનાથી રાત્રે 10:00 વાગ્યે ઊપડશે.
- વલસાડ–બરૌણી અનારક્ષિત સ્પેશિયલ: આ ટ્રેન પણ આ સમયગાળા દરમિયાન દોડાવવાનું નક્કી કરાયું છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
ઉધના સ્ટેશન પર પાર્સલ બુકિંગ પર અસ્થાયી રોક
મુસાફરોની સલામતી જાળવવા અને પ્લેટફોર્મ પરની અવ્યવસ્થા ટાળવા માટે રેલ્વેએ એક વધારાનો નિયંત્રણકારી નિર્ણય લીધો છે. 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. આ પ્રતિબંધ ઉધનાથી શરૂ થતી કે સમાપ્ત થતી, તેમજ ઉધના ખાતે પાર્સલ લોડિંગ-અનલોડિંગ કરતી પસાર થતી તમામ ટ્રેનો પર લાગુ થશે. જોકે, લીઝ પર ચાલતા પાર્સલ ટ્રાફિકને આ રોકમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રેલ્વે અધિકારીઓએ મુસાફરોને તેમનો જરૂરી વ્યક્તિગત સામાન કોચમાં લઈ જવાની છૂટ આપી છે અને સ્ટેશનો પર વિશેષ જાહેરાતો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે.








