ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

Bhavnagar News: ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે એક ગોઝારી દુર્ઘટના બની હતી. શહેરમાં આવેલી ગુણાતીતનગર સોસાયટી પાસે હાઉસીંગ બોર્ડના ક્વાટર્સમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
એકનું મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત
આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જતાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, મૃતકની ઓળખ કરણ સવજીભાઇ બારૈયા તરીકે થઇ હોવાનું જાણવા મળ્યું છે, જે કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
ઇજાગ્રસ્તોમાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક શહેરની સર ટી. (S.T.) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવજીભાઈને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમની હાલત અત્યંત નાજુક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ત્રણ જેસીબી મશીનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કાટમાળ ખસેડી દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. આ ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલ, કમિશનર મીના, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજુ રાબડીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓહોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાથમિક દ્રષ્ટિએ મકાન અત્યંત જૂનું અને જર્જરિત હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.