ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત

Girnar Gorakhnath Murti Vandalism: જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના અત્યંત સંવેદનશીલ કેસનો જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મંદિરના પગારદાર પૂજારી અને એક દુકાનદાર-ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ મંદિર અને પોતાને 'લાઈમ-લાઈટ'માં લાવવા અને ભાવિકોની સંખ્યા વધારવા માટે આ કૃત્ય કર્યાની કબૂલાત કરી છે.
FSL રિપોર્ટ બન્યો મહત્ત્વની કડી
સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ પોલીસે SOG, LCB સહિતની ટીમોને કામે લગાડી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. એસપી સુબોધ ઓડેદરાના જણાવ્યાનુસાર, FSLની તપાસ પોલીસ માટે મહત્ત્વની કડી બની હતી. મંદિરના કાચ તૂટેલા હતા, પરંતુ તૂટેલા કાચમાંથી અંદાજે 50 કિલો વજનની ગોરખનાથની મૂર્તિ બહાર નીકળી શકે તેટલી જગ્યા ન હતી. આ વિસંગતતા પરથી પોલીસને શંકા ગઈ હતી કે મૂર્તિને કાચ તોડીને નહીં, પણ તાળું ખોલીને બહાર કાઢીને ખીણમાં ફેંકી દેવામાં આવી છે.
આરોપીઓની કબૂલાત: લાઈમ-લાઈટ અને દાનની લાલચ
પોલીસે ગોરખનાથ મંદિર નજીક ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ હરગોવિંદ ભટ્ટ (રહે. મઘુરમ, જૂનાગઢ)ની પૂછપરછ કરી, જેણે શરૂઆતમાં ગલ્લાતલ્લાં કર્યા બાદ આખરે પોપટ બની ગયો હતો. પોલીસે તેના નિવેદન બાદ મંદિરના પગારદાર પૂજારી કિશોર શિવનંદાસ કુકરેજા (ઉ.વ. 42, મૂળ મુંબઈ)ની ધરપકડ કરી હતી.
એસપી ઓડેદરાએ જણાવ્યું કે, 'પૂજારી કિશોર કુકરેજા છેલ્લા બે-અઢી વર્ષથી મંદિરમાં પગારદાર તરીકે સેવા આપતો હતો અને દાન-ધર્માદામાંથી કટકી પણ કરતો હતો. તેણે કબૂલ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે લોકો આ મંદિર વિશે જાણે અને વધુ ભાવિકો આવે તો તેને આર્થિક ફાયદો થાય અને પોતે લાઈમ-લાઈટમાં આવે તે માટે તેણે કાવતરું રચ્યું હતું.'
આ પણ વાંચો: સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય
કાચ તોડી તાળું ખોલી મૂર્તિ ખીણમાં ફેંકી
દુકાનદાર રમેશ ભટ્ટે પોલીસને વિગતો આપતાં જણાવ્યું હતું કે, '4-10-2025ના રોજ સાંજે આરતી બાદ પૂજારી કિશોર કુકરેજા તેને મંદિર પાસે લઈ ગયો હતો. કિશોરે લોખંડની સ્ટિક વડે મંદિરના કાચમાં ઘા મારીને કાચ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ કિશોરે ચાવી વડે તાળું ખોલી અંદાજે 50 કિલો વજનની મૂર્તિને બહાર કાઢી હતી. કિશોરે મૂર્તિને નીચેના ભાગેથી અને પોતે માથાના ભાગેથી પકડીને દીવાલ સુધી લઈ જઈ નીચે ખીણમાં ફેંકી દીધી હતી. કિશોરે મને કહ્યું હતું કે, સવારે તે આવીને મૂર્તિ ચોરી થઈ હોવાનું જણાવે ત્યારે તે તદ્દન અજાણ હોવાનો ઢોંગ કરે.'
પૂજારી પોલીસની તપાસમાં સાથે રહેતો હતો
પોલીસને કિશોર કુકરેજા પર પહેલેથી જ શંકા હતી, પરંતુ કોઈ પુરાવા ન હોવાથી પોલીસે શાંતિ જાળવી રાખી હતી. પોલીસ અધિકારીઓ જ્યારે પણ તપાસમાં જતા, ત્યારે પૂજારી કિશોર કુકરેજા તેમની સાથે રહેતો હતો. પોલીસે સમયસર યોગ્ય કડીઓ મેળવીને સંવેદનશીલ કેસનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે હવે બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.