શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર
Surat : શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરતીઓ વધુ ધાર્મિક બની રહ્યાં છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોનું ઘોડાપુર આવી ગયું હતું. શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરમાં શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને વહેલી સવારથી મંદિરમાં વિવિધ પૂજા કરવામાં આવી હતી શિવભક્તોએ ભક્તિભાવથી શિવજીને દુધ સાથે અન્ય સામગ્રીનો અભિષેક કર્યો હતો.
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિવ મંદિરો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતિક બની જાય છે. આમ તો પૂરો શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે અને પ્રતિ રોજ વિવિધ મંદિરે જતા હોય છે. પરંતુ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
આજે શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે સુરત શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સુરતના અનેક શિવ મંદિરમાં હર હર મહાદેવના નારા ગુંજતા વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. સુરતના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. શહેરના મંદિર દ્વારા શ્રાવણ મહિનામાં ખાસ પૂજા અર્ચના તથા મંદિરને સુશોભન કરવાનું કામ પણ કર્યું છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે ભક્તોની ભીડ જામી હોવાથી દર્શન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.
શ્રાવણ માસના પહેલા સોમવારે મંદિરમાં શિવભક્તોમાં યંગસ્ટર્સની સંખ્યા ઘણી મોટી જોવા મળી હતી. જોબ કે સ્કૂલ, કોલેજમાં અભ્યાસ કરવા જતા યંગસ્ટર્સ પણ મોટી સંખ્યામાં ભોળાનાથની આરાધના કરવા માટે મંદિર પહોંચ્યા હતા. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે સાથે એક સાથે ભક્તો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા લગાવતા વાતાવરણ શિવમય બની ગયું હતું.