બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી
Banaskantha News : રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પલગે ઘણી જગ્યાએ પાણી ભરાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. દાંતા પંથકમાં અંતરિયાળ વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે દાંતાના બોરડીયાળા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓને રોજ જીવના જોખમે શાળાએ જવા-આવવા માટે કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે.
બનાસકાંઠાના દાંતામાં સારો એવો વરસાદ થતાં નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો છે, ત્યારે આજે સોમવારે (28 જુલાઈ) મંડારા વાસના 40થી વધુ બાળકો બોરડીયાળા શાળાએ જવા માટે નદીના કમરસમા પાણીમાંથી જતાં નજરે ચડ્યા હતા. વરસાદી માહોલમાં અગાઉ પણ અનેક વખત નદી કિનારે વિદ્યાર્થીઓ ફસાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
આ પણ વાંચો: મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી અને ગ્રામજનોની હાલાકીને લઈને સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆત કરી છે. ગત 19 જુલાઈના રોજ સ્થાનિક તંત્ર સ્થળ તપાસ માટે આવ્યા હતા, ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ આગામી દિવાળી સુધીમાં નદી પર પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.