સેવા સાથે કળાનું પ્રદર્શન: બન્ને હાથ ગુમાવનાર દિવ્યાંગ કલાકારે મોઢા અને પગથી બનાવી ગણેશજીની તસવીર
Surat News : ગણેશોત્સવ દરમિયાન સુરતના કેટલાક ગણેશ મંડપ શ્રીજીની ભક્તિ સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. તેમાં પણ ઉધનાના એક ગણેશ મંડપમાં સેવા સાથે સાથે દિવ્યાંગ કલાકારની કલાને પ્રોત્સાહન આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બન્ને હાથ ગુમાવનાર કલાકારે આ મંડપમાં મુકેલી બાપાની પ્રતિમાને કાગળ પર કંડારી છે. બન્ને હાથ નથી પરંતુ પોતાના મોઢા અને પગ વડે શ્રી ગણેશજીનું પેઈન્ટીંગ કરીને દર્શનાર્થીઓને પણ સ્તબ્ધ કરી દીધા હતા.
દિવ્યાંગ કલાકાર મોઢા અને પગ વડે અદભૂત પેઈન્ટિંગ બનાવે છે
ઉધનાના મહાદેવ નગરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ આયોજકો ગણપતિ બાપ્પાની ભક્તિ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે દરમિયાન આયોજકોને માહિતી મળી કે દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારે, જેમણે બંને હાથ ગુમાવ્યા છે, તે પોતાના મોઢા અને પગ વડે અદભૂત પેઈન્ટિંગ બનાવે છે. આ જાણ થતાં આયોજકોએ તેમને પ્રોત્સાહન આપવા તથા તેમની કલા ગણેશ ભક્તો સુધી પહોંચે તે માટે તેમને મંડપમાં આમંત્રિત કરી બાપાની પ્રતિમા સમક્ષ પેઈન્ટીંગ બનાવડાવ્યું હતું.
ભક્તિભાવ અને કલાનો સંગમ રૂપે બનેલું આ દૃશ્ય દર્શનાર્થીઓ માટે અનોખું આકર્ષણ બન્યું. મોઢા અને પગ વડે તૈયાર કરાયેલ શ્રીજીનું ચિત્ર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને મનોજભાઈ ના આ કલાને દર્શન કરવા આવનારા ભક્તો એ વધાવી લીધી હતી. ઉધનાના ગણેશ મંડપમાં દિવ્યાંગ કલાકારને પ્રોત્સાહન આપી શ્રીજીની પ્રતિમાનું આબેહુબ પેઈન્ટીંગ જોઈ આયોજકો પણ દંગ રહી ગયા હતા.
કલાકારે 10 વર્ષની ઉંમરે જ હાથ ગુમાવી દીધા હતા
ડિંડોલી ખાતે રહેનારા મનોજ ભીંગારે 10 વર્ષના હતા ત્યારે જ એક અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં તેઓએ બન્ને હાથ ગુમાવી દીધા હતા. જોકે, તેઓ હિંમત હાર્યા ન હતા અને આ પડકાર ઝીલી લીધો હતો. હાથ નહી હોવા છતાં તેઓની રુચિ પેઈન્ટીંગ માં હતી તો પગ અને મોઢાથી પીછી પકડીને ડ્રોઈંગ બનાવતા થયા હતા ત્યાર બાદ તેઓએ આ રીતે પેઈન્ટીંગ બનાવાવમાં મહારથી મેળવી લીધી હતી. જેના કારણે તેઓ ગણેશ મંડપમાં મુકાયેલી શ્રીજીની પ્રતિમા હાથ વિના પગ અને મોઢા થી બનાવી રહ્યાં છે અને ભક્તો તેને બિરદાવી રહ્યાં છે.