4થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી
Gujarat IMD Rain Forecast : ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રીજિયન વાઇઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇઍલર્ટ, 27 જળાશયો ઍલર્ટ તથા 09 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં NDRF અને SDRFના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 55 ઇંચ વરસાદ
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 55 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગના રીજિયનમાં સરેરાશ કરતાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ મેઘમહેર થઈ છે.
ગુજરાતના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ 140 તાલુકામાં 20થી 40 ઇંચ, 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ 5થી 10 ઇંચ વચ્ચે વરસ્યો છે.