Gujarat

શાળાઓમાં ધો.1 થી 5ના ભૂલકાંઓને મોકલવામાં વાલીઓની દ્વિધા

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021
શાળાઓમાં ધો.1 થી 5ના ભૂલકાંઓને મોકલવામાં વાલીઓની દ્વિધા

મહેસાણા, તા.22

મહેસાણા શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી, અનુદાનિત શાળા-કોલેજો શરૃ થઈ હતી. પરંતુ મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તો વળી, ધો.૧ થી પ માં અભ્યાસ કરતાં નાના બાળકોને મોટાભાગના વાલીઓએ શાળાએ મોકલવાનું માંડી વાળ્યું હોવાનું જણાયું હતુ.

સોમવારથી ધોરણ ૧ થી પ સુધીની પ્રાથમિક શાળાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  પ્રથમ દિવસે પ્રાથમિક શાળાઓની સાથે હાઈસ્કૂલો-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની ઓછી હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. શાળા સંચાલકો, શિક્ષકો, આચાર્યોએ શાળાઓમાં સરકારી ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ પુરુ પાડવાનું જણાવ્યું હતુ. દરેક વર્ગખંડમાં નિયત સંખ્યા કરતાં ૫૦ ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. જે વાલીએ સંમતિપત્રક રજૂ કર્યા હશે. તેના પાલ્યને શાળામાં બેસવા દેવાશે તેમ વિવેકાનંદ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્યોએ જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ આજે પ્રથમ દિવસેે એક પણ બાળકને વાલી મુકવા આવ્યાં નથી.  દરેક  શાળા-કોલેજમાં  તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. શાળાઓમાં સેનેટાઈઝ કરી સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની તાકીદ શાળા સંચાલકોને કરવામાં આવી છે.

શાળામાં બાળક વગર માત્ર બે જ વાલી આવ્યાં હતા, આચાર્યા

શહેરની વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્યા સરલાબેન નાયકના જણાવ્યાનુસાર કોરોના સંક્રમણની અસર ઘટતાં સરકારના આદેશ મુજબ આશરે દોઢેક વર્ષ બાદ પ્રાથમિક શાળાઓનો આરંભ કરાયો છે. જો કે, આજે સોમવારથી ધોરણ ૧ થી પ સુધીના બાળકોને ઓફલાઈન શિક્ષણ સત્ર શરૃ કરવામાં આવતાં એક પણ બાળકને વાલી દ્વારા શાળાએ મોકલવામાં આવ્યાં નહોતા. શાળાએ પૂછતાછ કરવા માત્ર બે વાલી આવ્યાં હતા. જેને સરકારે જારી કરેલ સંમતિપત્ર આપી વિગત ભરીને રજૂ કરવા જણાવાયું હતુ. હાલમાં શિયાળાની ઋુતુ તથા પલટાતાં હવામાન, માવઠુંના કારણે બાળકોને શાળાએ મોકલવામાં વાલીઓ તૈયાર થતાં નથી. શાળાને નિયમિત થતાં હજૂ પણ એકાદ અઠવાડિયા જેટલો સમય થવાની સંભાવના આચાર્યાએ વ્યક્ત કરી હતી.

શાળામાં ધો.1 થી 5 માં ફક્ત ચાર વિદ્યાર્થી જ આવ્યાં

શહેરમાં આવેલી સાર્વજનિક ઈંગ્લીશ સ્કૂલના વાઈસ પ્રિન્સીપાલ ચેતન ભટ્ટે કહ્યું કે, તેમની અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૩૯૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ધોરણ ૧ થી પ માં અંદાજે ૨૫૦ જેટલાં બાળકો નોંધાયેલાં છે. દરમિયાનમાં અંદાજે ૨૦ માસ પછી ધો.૧ થી પ સુધીની શાળાઓને ચાલુ કરવાના સરકારના આદેશના પગલે આજથી શાળાના સત્રનો આરંભ થયો હતો. જો કે, શાળામાં ધોરણ ૧ થી પ માં અભ્યાસ કરતાં માત્ર ૪ વિદ્યાર્થીઓ જ આવ્યાં હતા. તેઓએ કહ્યું કે, જે વાલી સંમતિપત્ર રજૂ કરશે તેના પાલ્યને વર્ગમાં બેસવા દેવામાં આવશે.