Get The App

હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું 1 - image

એક મહિલા સહિત ચારને ઇજાઃ મારામારીના વીડિયો વાઇરલ

જૂના ઝઘડાનું વેર રાખી બે પક્ષો આમને-સામને આવી જતાં તલવાર, કુહાડી જેવા હથિયારો ઉછળ્યાઃ સામસામે ફરિયાદ નોંધાઇ

હળવદ - હળવદ તાલુકાના કડીયાણા-માથક ચોકડી પાસે બે મહિના જૂની અદાવતનું સમાધાન કરવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જૂની બોલાચાલીનો ખાર રાખીને થયેલા આ ઝઘડામાં ધોકા, તલવાર, છરી, કુહાડી અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા અને યુવક સહિત બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મારામારીના આ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

 

પ્રથમ ફરિયાદમાં જશીબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ. ૪૭)એ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના દીકરા નવઘણને રાયધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઇ કોળી સાથે બોલાચાલી થઈ હતી. મહાદેવભાઈએ સમાધાન કરવાના બહાને તેમને માથક ચોકડી બોલાવ્યા હતા, જ્યાં આરોપી મહાદેવભાઈ, તેમનો દીકરો સામત અને એક અજાણ્યો શખ્સ સફેદ ગાડીમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પુત્ર નવઘણ પર છરી, કુહાડી અને તલવાર વડે જીવલેણ હુમલો કર્યોે હતો. દીકરાને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદીને પણ છરીના ગંભીર ઘા વાગ્યા હતા. હાલમાં માતા અને પુત્ર બંને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

સામા પક્ષે મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ. ૪૦) કોળીએ વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, નવઘણ વારંવાર રસ્તામાં કાતરો મારતો હતો અને તેમના દીકરા સામતને વોટ્સએપમાં ગાળો આપતો હતો. આ બાબતે વાતચીત કરવા તેઓ કડીયાણા માથક ચોકડી પહોંચ્યા ત્યારે નવઘણ અને તેના બનેવી વિક્રમે ઝઘડો કરી હુમલો કર્યોે હતો. નવઘણે લોખંડના પાઈપ વડે ફરિયાદી મહાદેવને માથામાં અને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે તેમને હાથમાં ફેક્ચર થયું છે. આ ઉપરાંત વિક્રમે ધોકા વડે માર મારતા તેમના દીકરા સામતને પણ કાન પાસે ઈજા થઈ હતી. પોલીસે આ મામલે બંને જૂથના શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.