Get The App

કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું 1 - image


Dharoi Dam: રાજ્યમાં પડેલા ભારે કમોસમી વરસાદની બેધારી અસર જોવા મળી રહી છે. એક તરફ અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને પંચમહાલના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. મહેસાણાનો ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે પંચમહાલનો પાનમ ડેમ પણ રુલ લેવલની નજીક પહોંચતા તેના દરવાજા ખોલવા પડ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિમી દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાંકલ

ધરોઈ ડેમ: 100% ભરાયો

રાજ્યમાં પડેલા માવઠાને કારણે મહેસાણા જિલ્લાનો મહત્ત્વપૂર્ણ ધરોઈ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા કરતાં 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી 622 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે. ઉપરવાસમાંથી સતત 3450 ક્યૂસેક પાણીની આવક થઈ રહી હોવાથી, વહીવટી તંત્રએ જળસ્તર નિયંત્રિત કરવા માટે ડેમનો એક દરવાજો 0.65 મીટર સુધી ખોલવો પડ્યો છે. આ દરવાજા દ્વારા હાલમાં સાબરમતી નદીમાં 3450 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ભરાઈ જતાં આગામી સમય માટે પાણીની ચિંતા હળવી થઈ છે, પરંતુ તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે.

પાનમ ડેમ: રુલ લેવલ જાળવવા ગેટ ખોલ્યા

પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ગુરૂવારની સાંજે (30 ઓક્ટોબર) પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ હતી. પાનમ ડેમની જળસપાટી તે સમયે 127.40 મીટર હતી, જ્યારે ડેમનું રુલ લેવલ અને ભયજનક સપાટી 127.41મીટર હતું. રુલ લેવલ જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેતાં વહીવટી તંત્રે પાનમ ડેમનો એક ગેટ 3.5 ફૂટ સુધી ખોલી નાખ્યો હતો અને ડેમમાંથી 4984 ક્યૂસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 'કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું', કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન

એક તરફ જળાશયોમાં પાણીની આવકથી રાહત મળી છે, તો બીજી તરફ રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને થયેલા નુકસાનને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.


Tags :