અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ

Ahmedabad Youth Rupesh Makwana Completes 2200 km Run: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય રૂપેશ મકવાણાએ 'યુવા બચાવો, દેશ બચાવો'ના સ્લોગન સાથે સોમનાથથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની આંતરરાષ્ટ્રીય 'રન ફોર યુવાશક્તિ' દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમની આ દોડનો મુખ્ય હેતુ દેશના યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અને પોતાની શક્તિનો સકારાત્મક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો છે.
ઓલિમ્પિકનું સપનું ન પૂરું થતાં યુવાશક્તિ માટે દોડ
રૂપેશ મકવાણાએ જણાવ્યું હતું કે, 'યુવાનો દેશનું ભવિષ્ય છે. યુવાનો પોતાની શક્તિનો યોગ્ય રીતે દેશસેવામાં ઉપયોગ કરે તે મારું આ દોડ માટેનું લક્ષ્ય હતું. મારૂ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું હતું, પરંતુ માર્ગદર્શન અને સહકાર ન મળવાને કારણે તે પૂરું થઈ શક્યું નહોતું. હવે હું આ દોડ દ્વારા બીજા યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ફિટનેસ જાળવવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યો છું.' નોંધનીય છે કે, આ દોડ માટે તેને દેશસેવા ફાઉન્ડેશન સહિતની વિવિધ સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.
6000 કિ.મી.ની દોડ માટે 'ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સ'માં સ્થાન
વર્ષ 2023માં રૂપેશ મકવાણાને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સુધીની 6000 કિ.મી.ની સુવર્ણ ચતુર્ભુજ દોડ માત્ર 81 દિવસમાં પૂરી કરી હતી. આ સિદ્ધિ બદલ તેમને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. તે કહે છે કે, 'મારા જેમ બીજા યુવાનો પોતાની શક્તિને સમાજ ઉપયોગી કાર્યમાં જોડીને લોકો સુધી સારો મેસેજ પહોંચાડે તો ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે.'
દૂધ અને ફ્રૂટ પર નિર્ભરતા, દિવસનું 70 કિ.મી. રનિંગ
સોમનાથથી પશુપતિનાથની દોડ માટે રૂપેશ મકવાણાએ બે મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી. તે રૂટનું મેનેજમેન્ટ કરીને દિવસમાં 70 કિ.મી. રનિંગ કરતો હતો. તે શાકાહારી હોવાને કારણે ગુજરાત બહાર નીકળ્યા પછી ઘણીવાર શાકાહારી ભોજન મળતું નહોતું. આ દરમિયાન તે માત્ર દૂધ અને ફ્રૂટ ખાઈને પણ દિવસમાં 70 કિ.મી.નું અંતર કાપતો હતો.
170થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી
રૂપેશ મકવાણાનું ઓલિમ્પિકનું સપનું પૂરું ન થતાં તેણે અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેણે વર્ષ 2018થી વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ તાલીમ આપવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં તેની પાસેથી તાલીમ મેળવીને 100 વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસમાં, 60 વિદ્યાર્થીઓ ઇન્ડિયન આર્મીમાં, બે-બે વિદ્યાર્થીઓ એરફોર્સ અને નેવીમાં તથા સાત વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં જોડાઈને દેશસેવા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રૂપેશ મકવાણાની આંતરરાષ્ટ્રીય દોડ યુવાનો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે કે, મુશ્કેલીઓ છતાં નિશ્ચય અને ફિટનેસ દ્વારા રાષ્ટ્ર અને સમાજની સેવા કરી શકાય છે.

