Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકામાં આજે(4 જાન્યુઆરી) એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસ પરથી એક 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
દ્વારકાના ગોમતી ઘાટ પાસે આવેલા પ્રખ્યાત 5 માળના લાઈટહાઉસ પર આજે સાંજે પ્રવાસીઓની ભારે ચહલપહલ હતી. આ દરમિયાન ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ અચાનક લાઈટહાઉસના ત્રીજા માળેથી પોતાના પુત્ર સાથે નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાવાને કારણે માતા અને પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે.
સ્થાનિકોમાં ભારે ચકચાર
મૃતક મહિલા અને બાળક દ્વારકાના જ સ્થાનિક રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પ્રવાસન સીઝન ચાલતી હોવાથી લાઈટહાઉસ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ હાજર હતા, જેમના નજર સામે જ આ ઘટના બનતા લોકોમાં ભય અને શોકનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ એક યુવાને દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, ત્યાં જ આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.


