Surat News: સુરત શહેરમાં રહેતા હિન્દુ પરિવારો પોતાના ઘરમાં દેવી-દેવતાઓની તસવીરો અને નાની પ્રતિમાઓ માટે શ્રદ્ધાપૂર્વક મંદિર બનાવતા હોય છે. પરંતુ સમય જતાં આ મંદિરો જુના થઈ જાય ત્યારે તેને યોગ્ય વિધિથી વિસર્જન કરવાની બદલે કેટલાક લોકો તેને રસ્તા ના ખૂણે, ખાલી પ્લોટમાં અથવા તો કચરાની ગાડીમાં ફેંકી દેતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાના ખૂણાઓ પર રઝડતા મંદિરો જોવા મળી રહી છે, જેનાથી શ્રદ્ધાળુઓની લાગણીને ભારે આઘાત પહોંચે છે. ભગવાનની પૂજા માટે બનાવાયેલા મંદિરોને આ રીતે મૂકવામાં આવે ત્યારે સમાજની ધાર્મિક સંવેદનશીલતા પર પ્રશ્ન ઉભો થાય છે.
છેલ્લા કેટલાક સમયથી સુરતના રસ્તા, બ્રિજ કે અન્ય જગ્યા સાથે કચરા ગાડીમાં લોકોના ઘરમાં રહેતા નાના મંદિરનો નિકાલ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સુરતના સંખ્યાબંધ હિન્દુ પરિવારના ઘરમાં સવારે સૌથી પહેલા ઘરમાં મુકવામાં આવેલા દેવલીયા(મંદિર)માં ભગવાનની નાની પ્રતિમા અને તસ્વીર મુકી તેની પૂજા કરવામાં આવે છે. સમય જતા લોકો નવા ઘર લે છે કે રિનોવેશન કરાવે છે સાથે મંદિર પણ નવું લે છે ત્યારે જુના મંદિરને અન્ય કોઈને આપી દેવા અથવા જૂની પ્રતિમા કે મંદિરનું પણ વિધિવત વિસર્જન કરવાના બદલે રસ્તે રઝળતા મૂકી દઈ રહ્યા છે તે અનેક લોકોને વિચલિત કરી રહી છે. આ મંદિરને બિન સન્માનજનક રીતે ફેંકી દેવું એ માત્ર ધાર્મિક બેદરકારી નથી, પરંતુ સામાજિક અપરાધ પણ લોકો ગણી રહ્યા છે.

શહેરના અનેક રસ્તા પર મંદિર રઝળતી હાલતમાં મળી રહ્યાં છે તેના કારણે અનેક લોકોની લાગણી દુભાઈ છે. ચિંતાજનક બાબત એ છે કે શહેરમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની સંખ્યા ઓછી નથી, છતાં આ મુદ્દે મૌન છે. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે કોઈ સંસ્થા કે સંગઠન આગળ આવ્યું નથી. પરિણામે શહેરના અનેક સ્થળોએ ભગવાનના મંદિરો રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આ પ્રવૃત્તિ સામે જાગૃતિ લાવવા અને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ આગળ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
પાલિકાએ ઝોન ઓફિસમાં ભગવાનની જૂની તસ્વીર સ્વિકારે છે પણ લોકો ત્યાં સુધી પણ નથી જતા
સુરત પાલિકા વિસ્તારમાં ભગવાન ના ફોટા અને ખંડિત પ્રતિમાઓને જાહેર રસ્તા પર રઝળતી મુકાતી અટકાવવા માટે પાલિકાએ ખાસ અભિયાન શરુ કર્યું છે. લોકોની લાગણી દુભાતી અટકાવવા માટે પાલિકાએ સુંદર પ્રયાસ શરૂ કર્યો છે પરંતુ કેટલાક સુરતીઓને પાલિકાની આ કામગીરી ગળે ઉતરતી નથી. જેના કારણે લોકો ભગવાનના ફોટા ખંડીત પ્રતિમા સાથે મંદિરોનો પણ જાહેર રસ્તા પર લોકોની લાગણી દુભાઈ તેમ નિકાલ કરી રહ્યાં છે.
પાલિકાએ લોકોની લાગણી સાચવવા માટે તમામ વોર્ડ ઓફિસ પર કલેકશન સેન્ટર શરૂ કર્યા છે અને લોકો જે જગ્યાએ જુના ફોટા, પ્રતિમા અને મંદિર મૂકીને જતા હતા તે જગ્યાએ પાલિકાએ વોર્ડ ઓફિસમાં ફોટા અને પ્રતિમા આપવી તે માટે જન જાગૃતિ બેનર લગાવ્યા છે તેમ છતાં હજી પણ લોકો પાલિકાની આ સેવાનો લાભ લેતા નથી. પાલિકા સન્માન સાથે ભગવાનના ફોટા અને પ્રતિમાનું વિસર્જન કરે છે તેમ છતાં હજી પણ લોકો જાહેર રસ્તા પર નિકાલ કરી રહ્યાં છે તેના કારણે અન્ય લોકોની લાગણી દુભાઈ રહી છે.

આ પણ વાંચો: સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર


