Get The App

દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ? તા. પંચાયતની ચૂંટણી બીજી વખત રદ, અધિકારીના નાટકનો આક્ષેપ

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ? તા. પંચાયતની ચૂંટણી બીજી વખત રદ, અધિકારીના નાટકનો આક્ષેપ 1 - image

Deodar Taluka Panchayat: દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલો હાઇવોલ્ટેજ ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગત 25 મેના રોજ ભાજપના બે સભ્યો વચ્ચેની આંતરિક માથાકૂટને કારણે માત્ર 20 મિનિટમાં સભા રદ કરી દેવાયા બાદ, આજે 27 મેના રોજ બપોરે 3 વાગ્યા સુધી મોકૂફ રખાયેલી ચૂંટણી પર ફરી ગ્રહણ લાગ્યું છે. નવાઈની વાત એ છે કે, બપોરે 3 વાગ્યે ચૂંટણીનો સમય હોવા છતાં ચૂંટણી અધિકારી જ ગેરહાજર રહ્યા હતા અને તેઓ કથિત માંદગીનું કારણ આપી પાલનપુરની હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર નાટકીય ઘટનાક્રમ વચ્ચે અંતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બીજી વાર પણ રદ થઈ, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

વહીવટી તંત્રનું નાટક ઊડીને આંખે વળગે તેવું

ત્યારે સવાલ એ થાય છે કે, શું ચૂંટણી અધિકારી ખરેખર બીમાર પડ્યા છે કે પછી સત્તાધારી પક્ષના ઇશારે આ માત્ર એક વહીવટી નાટક છે? અધિકારીઓની આ ગેરહાજરી પાછળ કયું રાજકીય દબાણ કામ કરી રહ્યું છે? શું જનતાના મતોથી ચૂંટાયેલી પંચાયત વહીવટી તંત્રના આવા 'નાટકો'ના ભરોસે ચાલશે?

પ્રશ્ન છે વહીવટીતંત્રની સંવેદનાનો! લોકશાહી બચાવવા ગર્ભવતી સભ્યને ધરમના ધક્કા

બીજી તરફ, જાડા તાલુકા પંચાયતના સદસ્ય હેતલબહેન ઠાકોર જે ગર્ભવતી છે અને ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે છે, તે અસહ્ય પીડા વચ્ચે પણ લોકશાહી બચાવવા ત્યાં હાજર રહ્યા! એક માતા ગર્ભમાં નવજીવન લઈને ઊભી રહી, પણ જવાબદાર અધિકારીઓ કથિત બીમારીનું બહાનું ધરી મેદાન છોડી ગયા. આજે પ્રશ્ન માત્ર રાજકારણનો નથી, પ્રશ્ન છે વહીવટીતંત્રની સંવેદનાનો! જો એક ગર્ભવતી બહેન પોતાની હાલત ભૂલીને કલાકો સુધી ઊભી રહી શકતી હોય, તો એસી ચેમ્બરોમાં બેસતા બાબુઓએ પણ દિલથી વિચારવું જોઈએ. કુદરતનો ડર રાખો સાહેબો... કારણ કે કોઈની વેદના પર સત્તાની રમત રમનારાઓને સમય ક્યારેય માફ કરતો નથી. આજે આખું દિયોદર પૂછી રહ્યું છે, શું ખુરશીનો મોહ એટલો મોટો થઈ ગયો છે કે તમને એક માતાની પીડા પણ નાની લાગી રહી છે?


સાંસદ ગેનીબહેન ઠાકોરના ગંભીર આક્ષેપો: કલેક્ટર ભાજપના પટ્ટા પહેરી ફરી રહ્યા છે?

આ સમગ્ર વિવાદ વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ભાજપ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કલેક્ટર અને પ્રાંત  બંને જાણે ભાજપના પટ્ટા પહેરી ફરી રહ્યા હોય તેમ વર્તી રહ્યા છે અને લોકતાંત્રિક પ્રક્રિયાને બાજુ પર મૂકીને જાતે જ પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરવા માંગે છે. મહત્વનું છે કે કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યોનું સંખ્યાબળ સ્પષ્ટ છે, ત્યારે લોકોએ બહુમતી આપી હોવા છતાં પણ સત્તાથી દૂર રાખવા માટે શું સરકારી અધિકારીઓનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે? તટસ્થ ગણાતા વહીવટી અધિકારીઓ શા માટે શાસક પક્ષના ઇશારે નાચી રહ્યા છે તેવા ગંભીર સવાલો જનતા અને કોંગ્રેસ પક્ષના નેતાઓ પૂછી રહ્યા છે.

આ પણ વાંચો: દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્યું, 'લોકશાહીની હત્યા'

બહુમતી હોવા છતાં અન્યાય કેમ? સભાખંડમાં સભ્યો હાજર, અધિકારી ગાયબ!

આજે સવારથી જ કોંગ્રેસના 12 અને ભાજપના 10 મળીને કુલ 22 સભ્યો ચૂંટણી પ્રક્રિયા માટે સભાખંડમાં આવીને બેસી ગયા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો, પરંતુ જેમના માથે ચૂંટણી કરાવવાની જવાબદારી છે તે અધિકારી જ ગેરહાજર રહેતા આજે પણ ચૂંટણી યોજાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગત 25 મેના રોજ ભાજપના આંતરિક વિખવાદને કારણે ભાજપના બે સભ્યો બાખડ્યા હતા, હવે આજે બુધવારે અધિકારી માંદગીનું કારણ આપી ગાયબ થઈ ગયા છે. આ પરિસ્થિતિ જોતાં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્યોના અધિકારોનું આ રીતે થતું ચીરહરણ ક્યાં સુધી ચાલશે? શું દિયોદરમાં ખરેખર લોકતાંત્રિક ઢબે ચૂંટણી યોજાશે કે પછી વહીવટી તંત્રના જોરે જનતાના જનમતનું ગળું ઘોંટી દેવામાં આવશે?