Gujarat

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે

By GS TEAM
28 Oct 20251 min read
રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે

રેલવે એસઓજીએ બાતમીના આધારે પકડયો

પિસ્તોલ ઉપરાંત પાંચ જીવતા કાર્ટીસ સહિત રૂા.૪૧ હજારનો મુદ્દામાલ કબજે, રિમાન્ડની તજવીજ

રાજકોટ: રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નં.ર ઉપરથી રેલવે એસઓજીએ ઈન્દ્રપાલ સુરેન્દ્રપાલ સિંહ (ઉ.વ.૩૬, રહે. તિલકનગર બી-૧પ, વેસ્ટ દિલ્હી તથા ખજુરીખાસ બિહારીપુર દયાલપુર ઈસ્ટ દિલ્હી)ને દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો હતો. 

રેલવે એસઓજીનો સ્ટાફ આજે રેલવે સ્ટેશન પર ચેકિંગમાં હતો ત્યારે ઈન્દ્રપાલ નામનો શખ્સ કે જે બેગ સાથે પ્લેટફોર્મ નં.ર પર ઉભેલો છે તેની પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમીના આધારે જમાદાર એસ.કે. જાડેજા અને હિતેષભાઈ સહિતના સ્ટાફે પ્લેટફોર્મ નં.ર પર પહોંચી  ત્યાં ઉભેલા શખ્સની પુછપરછ કરતાં તે મુઝઝફરપુર-પોરબંદર એક્ષપ્રેસ ટ્રેનમાંથી ઉતર્યો હોવાનું જણાવ્યું હતું. 

આથી તેને એલસીબી ઓફિસે લાવી પુછપરછ કરતાં પોતાનું નામ ઈન્દ્રપાલ સિંહ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની બેગમાં તપાસ કરતાં તેમાંથી રૂા.રપ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને રૂા. ૧ હજારની કિંમતના પાંચ જીવતા કાર્ટીસ મળી આવતાં, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૪૧,૭૦૦નો મુદ્દામાલ કબજે  કર્યો હતો. 

પોલીસે જણાવ્યું કે આરોપી ઈન્દ્રપાલ ગાડી રિપેરીંગનું કામ કરે છે. તે ટ્રેનમાંથી રાજકોટ રેલવે સ્ટેશને હથિયાર સાથે ઉતર્યો હોવાની બાતમીના આધારે તેને ઝડપી લેવાયો છે. આ હથિયાર કયાંથી લાવ્યો હતો અને શા માટે રાખ્યું હતું તે મામલે રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરાઈ છે.