Get The App

VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા 1 - image


Bagodara Highway in Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત દયનિય બની છે. ખાસ કરીને, સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ હાઈવે પર જાણે મોતનો ખાડો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મસમોટા ખાડાઓના કારણે  હાઈવે પર ત્રણ જેટલા ભારે વાહનો ખોટકાયા હતા, જેમાંથી બે વાહનો તો ખાડાના કારણે પલટી મારી ગયા હતા. આ સાથે અન્ય નાના વાહનોને પણ ખાડામાં પડવાથી ભારે નુકસાન થયું છે. ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતો હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેના કારણે ટ્રાફિકજામ પણ થાય છે.

આ પણ વાંચો: પંચમહાલઃ ભારે વરસાદના કારણે મોડી રાત્રે ધરાશાયી થયું મકાન, કાટમાળમાં દટાતા મહિલાનું મોત

​​અકસ્માતોમાં વાહનોને મોટું નુકસાન 

આ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અનેક વાહનચાલકોએ પોતાના વાહનો પરનો કાબૂ ગુમાવ્યો છે અને પલટી મારી છે. આ અકસ્માતોમાં વાહનોને મોટું નુકસાન થયું છે અને વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થાય છે. અકસ્માતોના કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે.

સર્વિસ રોડ પર પણ મોટા ખાડા અને ગાબડાં 

​​હાઈવે પરના મુખ્ય રસ્તા ઉપરાંત, સર્વિસ રોડની પણ હાલત ખરાબ છે. સર્વિસ રોડ પર પણ મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત, હાઈવે પરના કેટલાક પુલો પર પણ મસમોટા ગાબડાં પડ્યા છે, જે ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. હાઈવે પર બે ભારે વાહનો ખાડાને કારણે પલટી ગયા હતા, પરંતુ સદ નસીબે તે સમયે બાજુમાંથી કોઈ વાહન જતુ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. તાજેતરમાં ભૂજમાં ખાડાના કારણે ટ્રક પલટી જતા તેના પર રહેલું ટેન્કર સરકીને રસ્તા પર પડતા બાજુમાંથી એક્ટિવા પર પસાર થતા 3 લોકોના મોત થયા હતા.

​​સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા 

આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રોડ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર ખાડા અને ગાબડાં પડ્યા હોવા છતાં રોડ તંત્ર દ્વારા ખાડા પૂરવાની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ બેદરકારીના કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે.

આ પણ વાંચો: જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ

સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રોડ તંત્રની સક્રિયતા અત્યંત જરૂરી

​અકસ્માતો બાદ વાહનચાલકોને મદદ કરવા માટે બગોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી, અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસ જવાનોએ ખાડામાં ઉતરી ખાડાની ઉંડાઈ તપાસી તો તે પણ ચોંકી ગયા હતા. ગઈકાલે રાત્રે પલટી ગયેલો આઈસર ટેમ્પો આજે બપોરે ક્રેન દ્વારા રસ્તા પરથી દૂર કરવામાં આવ્યો. જ્યારે ઓવર બ્રિજની બાજુના રસ્તા પર ખાડામાં પડેલો માલ સામાન ભરેલો ટ્રક બપોર સુધી દૂર કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ ઓવર બ્રિજની ઉપર મસમોટા ખાડામાં પડવાથી ડમ્પરની એન્ગલ તૂટી જતા તે ખોટકાયું હતું. કપચી ભરેલું આ ડમ્પર હટાવવાની કામગીરી બપોર સુધીમાં કરાઈ નહોતી. જેથી વાહનોને ભારે હાલાકી પડી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રોડ તંત્રની સક્રિયતા અત્યંત જરૂરી છે તેવું વાહન ચાલકોનું કહેવું છે.

Tags :