For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ એરપોર્ટ પર ગંભીર બેદરકારી, ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકના મૃતદેહને સ્પેરપાર્ટ સમજી અન્યને સોંપી દેવાયો

Updated: Mar 29th, 2024

Article Content Image

Ahmedabad News: વિદેશથી આવેલા સ્વજનનો મૃતદેહ લેવા માટે એરપોર્ટ પહોંચો અને એવી જાણ કરવામાં આવે કે આ મૃતદેહ તો અન્ય સ્થળે મોકલી દેવામાં આવ્યો છે તો? દુઃખના ડુંગર તૂટી પડયા હોય અને ત્યાં આક્રોશ પણ ફાટી નીકળે તેવી ઘટના અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટમાં બની છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા સુરેન્દ્રનગરના યુવાનનો મૃતદેહના કોફીનને સ્પેરપાર્ટ સમજીને તેને અન્યત્ર મોકલી દેવામાં આવ્યો હતો. 

યુવાનના મૃતદેહને ખરાઇ કર્યા વિના જ અન્યને સોંપાતાં રોષ 

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિદેશથી દરરોજ સરેરાશ 177 મેટ્રિક ટન કાર્ગો આવતો હોય છે. આ ઉપરાંત દરરોજ સરેરાશ 240 ફ્લાઇટની અવર-જવર પણ થાય છે. 27 માર્ચના ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં સુરેન્દ્રનગરના 26 વર્ષીય જીલ ખોખરાનો પણ મૃતદેહ હતો. વ્હાલસોયા પુત્રનો મૃતદેહ લેવા માટે તેનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો. પરંતુ એરપોર્ટમાં પહોંચતાં સ્ટાફ દ્વારા એવો જવાબ મળ્યો કે, 'જીલના મૃતદેહના કોફિનને કોઇ કંપનીના સ્પેરપાર્ટ સમજી અન્યત્ર મોકલી દેવામાં આવ્યો છે....' આ શબ્દો કાને પડતાં જ મૃતકના પરિવારના સદસ્યોના પગ તળેથી જાણે ધરતી જ સરકી ગઇ. 

મૃતદેહ સાથેનો ટેમ્પો અમદાવાદની એક કોર્પોરેટ બિલ્ડિંગમાં પહોંચ્યો હતો

આ કોફીન કોને મોકલી દીધું છે તેની વિગત મેળવી મૃતક યુવાનના પરિવારના સદસ્યો તુરંત ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમને યુવાનના મૃતદેહ સાથેનું કોફીન મળી આવ્યું હતું. મૃતદેહ સાથેનો ટેમ્પો અમદાવાદની એક કોર્પોરેટ બિલ્ડિંગમાં પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટમાં કાર્ગો દ્વારા આ યુવાનનો મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેમણે બેદરકારીથી અન્ય એક કાર્ગો કંપનીના કર્મચારીના કોઇ ખરાઇ કર્યા વિના સોંપી દીધું હતું. એરપોર્ટ કાર્ગોના કર્મચારીએ દસ્તાવેજ પણ ચકાસ્યા વિના જ આ કોફીન સોંપી દીધો હોવાની પણ માહિતી સામે આવી છે. 

એરપોર્ટ મેનેજમેન્ટે આ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું

ચોંકાવનારી વાત એ છે કે, હવે આ મામલે મૃતદેહ સોંપવામાં કોની બેદરકારી છે તેના અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. એરલાઇન્સનો દાવો છે કે, 'અમારું કામ માત્ર અમારી ફ્લાઇટ સાથે આવેલા કાર્ગોને એરપોર્ટના કાર્ગોમાં સોંપવાનું છે. કાર્ગો ખરાઇ કરીને તે યોગ્ય વ્યક્તિને સોંપવું તે જવાબદારી એરપોર્ટ કાર્ગોની હોય છે.'  બીજી તરફ એરપોર્ટ મેનેજમેન્ટે આ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.  મૃતક યુવાનના પરિવારજનો આ બેદરકારીને મામલે ડીજીસીએને ફરિયાદ કરવા પણ વિચારણા કરી રહ્યા છે. 

યુવાનનું ડૂબવાથી મૃત્યુ થયું હતું

જીલ ખોખરા મેલબોર્નમાં આવેલી લા ટ્રોબે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. 10 દિવસ અગાઉ તે વિક્ટોરિયા ખાતે મિત્રો સાથે બીચ પર સ્વિમિંગ કરવા માટે ગયો હતો. સ્વિમિંગ કરતી વખતે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. યુવકનો મૃતદેહ બુધવારે તેના પરિવારને મળ્યો હતો. તેની અંતિમ વિધિ ગુરુવારે સાંજે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી. 

મૃતદેહ માટે પરિવારજનોની 8 કલાક સુધી રઝળપાટ 

સુરેન્દ્રનગરના યુવકના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવ્યા બાદ એર લાઇન્સ તેમજ કાર્ગોની બેદરકારીને કારણે મૃતદેહને ખોટા સરનામે મોકલાવી દેવાયો હતો. સ્થાનિક પોલીસ, એરપોર્ટ ઓથોરિટી, સીસીટીવીની મદદથી તપાસ કરતાં યુવકનો મૃતદેહ વસ્ત્રાપુર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આમ, યુવકના મૃતદેહને લેવા માટે તેના પરિવારે 8 કલાક રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક સાથે જે બે યુવાનો પણ ડૂબ્યા હતા અને તેમાંથી એક સુરેન્દ્રનગર જ્યારે એક રાજકોટનો હતો. આ બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો.

Gujarat