Daman News: સંઘપ્રદેશ દમણના આંટીયાવાડ વિસ્તારમાં હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ગુરૂવારે (11 ડિસેમ્બર) સાંજે 7 જેટલા કિશોરો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાંથી ત્રણના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
આ પણ વાંચોઃ જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી
યુવકે હિંમત બતાવી એક બાળકનો જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ, દમણના આંટીયાવાડ વિસ્તારમાં ગુરૂવારે (11 ડિસેમ્બર) સાત બાળકો હિંગળાજ તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 ડૂબવા લાગ્યા. નહાવા પડેલા 7 કિશોરોમાંથી 3 બાળકોએ બહાર આવીને મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈ એક યુવકે તળાવમાં કૂદીને એક બાળકને સફળતાપૂર્વક બચાવી લીધો હતો.
મોડી રાત સુધી શોધખોળ, ત્રણેય મૃતદેહ મળી આવ્યા
ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કડકડતી ઠંડીમાં પણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખી હતી. કલાકોની સઘન શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, એક શ્રમિકો દટાયાની આશંકા, ચારનું રેસ્ક્યૂ
આ દુર્ઘટનાને પગલે દમણના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. એક સાથે ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થવાના કારણે મૃતકોના પરિજનો અને સ્થાનિકોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.


