Gujarat

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે લોકાર્પણ

By GS TEAM
22 May 20262 mins read
TukuTouch Logo
સંઘપ્રદેશ દમણ અને દીવ હવે પ્રગતિના એક નવા પંથે અગ્રેસર થવા જઈ રહ્યું છે. આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણને એક સાથે બે મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાથી સજ્જ સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણને પગલે પ્રશાસકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય જાહેર સમીક્ષા બેઠક યોજીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે લોકાર્પણ

Daman New Civil Airport Launch Date : સંઘપ્રદેશ દમણ અને દીવ હવે પ્રગતિના એક નવા પંથે અગ્રેસર થવા જઈ રહ્યું છે. આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણને એક સાથે બે મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાથી સજ્જ સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણને પગલે પ્રશાસકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય જાહેર સમીક્ષા બેઠક યોજીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર થયું 'સ્ટેટ ઓફ ધ આર્ટ' એરપોર્ટ

પર્યટન સ્થળ તરીકે નામના મેળવી ચૂકેલા દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર સરળ બને તે માટે દમણના દેવકા રોડ પર અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે આ ભવ્ય સિવિલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર કેવી હશે સુવિધાઓ?

આ એરપોર્ટ અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. એરપોર્ટ પર 5,460 ચોરસ મીટરનું અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. અહીં 180 મુસાફરોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ અને 16 વ્યક્તિઓ માટે ખાસ વીવીઆઈપી (VVIP) લોન્જ તૈયાર કરાયો છે. હાલમાં 12 ચેક-ઇન કાઉન્ટર્સ તૈયાર છે, જે ભવિષ્યમાં વધારીને 16 કરાશે. આ ઉપરાંત, રનવે પર A-320 સાઇઝના બે મોટા એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે અને મુસાફરો માટે 57 ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવાયું છે. લોકાર્પણ બાદ આ એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હસ્તક રહેશે.

આ પણ વાંચો : દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથે જોડાશે કનેક્ટિવિટી

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકાર્પણના પ્રથમ દિવસે જ દમણ-દિલ્હી વચ્ચેની ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ દમણ-મુંબઈ અને દમણ-અમદાવાદ વચ્ચેની એર કનેક્ટિવિટી પણ શરૂ થવાની સંભાવના છે. આ હવાઈ સેવા શરૂ થવાથી સ્થાનિક વેપાર અને પર્યટન ઉદ્યોગને જબરદસ્ત વેગ મળશે.

મરવડ હોસ્પિટલ સહિત રૂ. 250 કરોડથી વધુના વિકાસકાર્યો

એરપોર્ટ ઉપરાંત દમણવાસીઓને આરોગ્ય ક્ષેત્રે પણ મોટી સોગાદ મળવા જઈ રહી છે. મરવડ ખાતે રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થયેલી સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી સરકારી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલ સહિતના પ્રોજેક્ટ્સના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના પહેલા અઠવાડિયામાં દમણની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તેઓ અન્ય 25થી વધુ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

આ પણ વાંચો : સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ