Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. ત્યારે દુર્ઘટનાનો ભોગ બનેલી ગુજરાતના આણંદની 23 વર્ષીય ક્રિનલ મિસ્ત્રીના અંતિમ શબ્દો યાદ આવતાં પિતાની આંખમાં આંસુ રોકી શકતાં નથી. આખો પરિવાર શોકમાં ડુબેલો છે. આજે સોમવારની સવારે ક્રિનલ મિસ્ત્રીનો મૃતદેહ તેના માદરે વતન આણંદ શહેરના ઉત્સવ પાર્ક સોસાયટીમાં તેના ઘરે પહોંચતાની સાથે જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash: ‘મમ્મી ઓફિસ ગઈ?’ માસુમ આંશીના આ સવાલનો પરિવાર પાસે જવાબ નથી!
ક્રિનલ બે વર્ષ પહેલા સ્ટૂડેન્ટ વિઝા પર લંડન ગઈ હતી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 241 એર ઇન્ડિયાના મુસાફરોમાં 23 વર્ષીય ક્રિનલ મિસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ક્રિનલ બે વર્ષ પહેલા સ્ટૂડેન્ટ વિઝા પર લંડન ગઈ હતી. થોડા દિવસો પહેલા તે દાંતની સારવાર કરાવવા અને તેના પરિવારને મળવા આણંદ આવી હતી. આમ તો, ક્રિનલ 7 જૂને પરત ફરવાની હતી. પરંતુ વર્ક પરમિટ ન મળતાં એજન્ટે તેને બે-ત્રણ દિવસ પછી પરત ફરવાની સલાહ આપી. જેથી તેણે 12 જૂનની ટિકિટ બુક કરાવી હતી.

પિતાને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ વિદાય છે
ક્રિનલના માતા અને પિતા સુરેશભાઈ તેને એરપોર્ટ પર છોડીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા અને તેઓ એરપોર્ટ પર પાછા ફર્યા હતા. ત્યારે તેના માતા-પિતાને પણ ખબર નહોતી કે તેઓ તેમની પુત્રીને છેલ્લી વાર વિદાય આપી રહ્યા છે.
માતા -પિતા દીકરીના છેલ્લા શબ્દો યાદ કરીને આસું રોકી શકતા નથી
આ દુઃખની ઘડીમાં ક્રિનલના સંબંધીઓ અને પડોશીઓ તેના પરિવાર સાથે ખભા મિલાવીને સાત્વના આપી રહ્યા છે. પરંતુ ક્રિનલના માતા -પિતા દીકરીના અંતિમ શબ્દો યાદ કરી આંસુ રોકી શકતાં નથી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મનીષાનું નિધન, પટના કોલેજમાં સાથીઓની આંખો ભીની થઈ
સાંસદ, ધારાસભ્યએ ક્રિનલને આપી શ્રદ્ધાંજલિ
ધારાસભ્ય યોગેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, પરિવારના સભ્યો અને નેતાઓ સાથે ક્રિનલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર કૈલાશ ભૂમિ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આટલી નાની ઉંમરે ક્રિનલના મૃત્યુથી પરિવારજનો, સગાં સંબંધિઓ આઘાતમાં છે.


