India

ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: નાની ભૂલો પર હવે જેલ નહીં, માત્ર દંડ થશે!

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010માં મોટો સુધારો કર્યો છે. જન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ, હોસ્પિટલો કે ક્લિનિકોની નાની વહીવટી ભૂલો પર હવે જેલની સજા નહીં થાય. આરોગ્ય મંત્રાલયે કાયદાની 5 કલમોમાં ફેરફાર કરી, માત્ર આર્થિક દંડ વસૂલવાનું નક્કી કર્યું છે. આનાથી હેલ્થ સેક્ટરમાં બિનજરૂરી કાનૂની વિવાદો ઘટશે, પરંતુ દર્દીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોક્ટરો અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: નાની ભૂલો પર હવે જેલ નહીં, માત્ર દંડ થશે!
Hospital, Doctor, Medical, Health Sector

Clinical Establishment Act Amendment : દેશના હેલ્થ સેક્ટર માટે કેન્દ્ર સરકારે એક મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010માં મોટો સુધારો કર્યો છે. જન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ કરાયેલા આ ફેરફાર મુજબ, હવે હોસ્પિટલો કે નાના ક્લિનિકો દ્વારા થતી વહીવટી અથવા કાગળની નાની ભૂલો પર જેલની સજા નહીં થાય. સરકારે આવી ભૂલો માટે હવે માત્ર વહીવટી સ્તરે આર્થિક દંડ વસૂલવાનું નક્કી કર્યું છે.

કાયદાની 5 કલમોમાં ફેરફાર

આ કાયદાને વ્યવહારુ બનાવવા માટે તેની પાંચ મુખ્ય કલમો 40, 41, 43, 44 અને 46માં ફેરફાર કરાયા છે. તેમાંથી કલમ 40, 43 અને 46માં 'કોર્ટ દ્વારા અપાતી સજા કે દંડ' (Fine) શબ્દ હટાવીને 'વહીવટી દંડ' (Administrative Penalty) શબ્દ ઉમેરાયો છે. આ ટેકનિકલ ફેરફારથી નાની ભૂલો હવે ગુનાહિત શ્રેણીમાં નહીં આવે અને કોર્ટના ચક્કર કાપવાને બદલે વહીવટી સ્તરે જ કેસનો નિકાલ થઈ શકશે.

ભૂલની ગંભીરતા જોઈને દંડ નક્કી થશે

કાયદાની કલમ 44માં કરાયેલા સુધારા મુજબ, હવે નિયમોના ઉલ્લંઘન પર સીધી એકસરખી મોટી કાર્યવાહી કરવાને બદલે ભૂલની ગંભીરતા તપાસવામાં આવશે. નવા નિયમ હેઠળ નાની અને મોટી ભૂલો વચ્ચે સ્પષ્ટ તફાવત રાખીને તે મુજબ અલગ-અલગ દંડ નક્કી થશે. આનાથી કોઈપણ હોસ્પિટલ પર નાની માનવીય ભૂલ માટે અન્યાયી કે બહુ મોટો દંડ લાદી શકાશે નહીં.

સુનાવણી અને અપીલ માટે સ્પષ્ટ વ્યવસ્થા

સરકારે કલમ 41 હેઠળ નિર્ણય લેતી ઓથોરિટીની સત્તાઓ વધારી દીધી છે. હવે આ ઓથોરિટી કલમ 40, 43 અને 44ને લગતા તમામ કેસોની સીધી સુનાવણી કરશે. નવી વ્યવસ્થામાં કોઈપણ હોસ્પિટલ પર દંડ લગાવતા પહેલાં તેને પોતાની વાત રજૂ કરવાની પૂરી તક અપાશે. જો કોઈ પક્ષ ઓથોરિટીના નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેને ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો કાનૂની અધિકાર પણ રહેશે.

દર્દીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં

આ સુધારાથી હેલ્થ સેક્ટરમાં બિનજરૂરી કાનૂની વિવાદો અને કોર્ટના કેસોમાં મોટો ઘટાડો થશે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર કાગળની અને વહીવટી પ્રક્રિયાઓ પૂરતી જ મર્યાદિત છે. દર્દીઓની સારવાર, તેમની સુરક્ષા, સંભાળના ધોરણો અને હેલ્થ સર્વિસની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને મેડિકલ સ્ટાન્ડર્ડનું કડકાઈથી પાલન ચાલુ રહેશે.