ગુજરાતના માથે 'શક્તિ' વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટકરાશે
Shakhati Cyclone: શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું 'શક્તિ' ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. 'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે.
જાફરાબાદના દરિયાકાંઠે 'શક્તિ' નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આગાહીના પગલે જાફરાબાદના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઈ વાતાવરણમાં આવેલા આ ફેરફારને કારણે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે.
માછીમારોને સૂચના, ટોકન પ્રક્રિયા બંધ:
જાફરાબાદના તમામ માછીમારોને દરિયામાં માછીમારી માટે ન જવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે તકેદારીના ભાગરૂપે માછીમારોને ફિશિંગ માટે આપવામાં આવતી ટોકન પ્રક્રિયા પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. તમામ માછીમારોને સલામત સ્થળે રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
માંગરોળમાં 3 નંબરનું સિગ્નલ ચાલું કરાયું
વાવાઝોડાના કારણે પોરબંદરના માંગરોળ બંદરે સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા ચેતવણીરૂપે ત્રણ નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. દરિયામાં વાતાવરણ પલટાતા માછીમારો તેમજ દરિયાકિનારાની આસપાસના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્રણ નંબરનું સિગ્નલ બંદર પર સામાન્ય તોફાનની સંભાવના અને માછીમારી માટે દરિયો ન ખેડવાની ગંભીર ચેતવણી આપે છે, જેના પગલે તમામ માછીમાર બોટોને કિનારે પરત ફરવા અને સલામત સ્થળે લાંગરી દેવા સૂચના આપવામાં આવી છે. 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ પ્રવાસીઓને પણ દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે.
પાકિસ્તાનમાં થશે અસર
'શક્તિ' વાવાઝોડાના કારણે અરબ સાગરમાં દરિયાઈ મોજાં તેજ થઈ રહ્યા છે. ગત રોજ સવારે 11:30 વાગ્યે આ વાવાઝોડું નલિયાથી 270 કિલોમીટર દૂર હતું. પોરબંદરથી 300 કિ.મીના પશ્ચિમ અને પાકિસ્તાનથી કરાચીથી 360 કિ.મી દક્ષિણમાં હાજર હતું.
આ પણ વાંચોઃ કચ્છની ખાનગી કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ, બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત
વાવાઝોડાની ક્યાં-શું અસર થશે?
હવામાન વિભાગ અનુસાર, 'શક્તિ' વાવાઝોડું તીવ્ર થશે. ગુજરાતના દરિયાકાંઠે પહોંચવા સુધી તે થોડું કમજોર થઈ શકે છે. જોકે, આ વાવાઝોડાના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય દેશના અન્ય રાજ્યો પર તેની ખાસ અસર જોવા નહીં મળે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આશંકા છે. અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડાની અસર 4-6 ઓક્ટોબર સુધી રહે શે. 5 ઓક્ટોબરે તે ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે તબાહી મચાવી શકે છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠે 45-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, આ વાવાઝોડું હજું તીવ્ર પણ બની શકે છે.
હવામાન વિભાગે જણાવ્યો વાવાઝોડાનો ટ્રેક
શક્તિ વાવાઝોડાનો આગામી 2 દિવસ સુધી કેવો ટ્રેક રહેશે તેની વિગત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેમાં વાવાઝોડું તીવ્ર બન્યા બાદ યુટર્ન લઈ રહ્યું છે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાના બદલે પૂર્વ તરફ ગતિ કરતો ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે. શનિવારે રાત્રે 12 વાગ્યે શક્તિ વાવાઝોડું તીવ્ર બનશે અને તે 5મી તારીખે સવારે પૂર્વ દિશામાં ગતિ કરતું રહેશે. જે પછી શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે વળાંક લેશે અને પૂર્વ-ઉત્તર તરફ ગતિ કરશે, આમ ગતિ કરવાથી તે ગુજરાતની નજીક પહોંચશે. શક્તિ વાવાઝોડું 5મીએ સાંજે યુટર્નની પ્રક્રિયા શરુ કરશે અને 6 તારીખે તે પૂર્વ-ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાનું શરુ કરશે. જે 6 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પૂર્વ દિશા પકડીને સાંજે 6 વાગ્યે વધુ પૂર્વ-ઉત્તર તરફ ગતિ કરશે. શક્તિ વાવાઝોડાનો જે ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે તેમાં 7 તારીખની સવારે 6 વાગ્યા સુધીની માહિતી આપવામાં આવી છે જેમાં વાવાઝોડું ગઈકાલે રાત્રે જે સ્થિતિમાં હતું તેની સમાંતર દક્ષિણ ભાગમાં પહોંચી જશે. આ પછી આગળ વાવાવાઝોડું કઈ દિશામાં અને કેવી સ્થિતિમાં જાય છે તે મહત્વનું રહેશે.