કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત
Kutch News: કચ્છના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ કેમિકલ કંપનીમાં શનિવારે (ચોથી ઓક્ટોબર) એક મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં કામ કરતા બે શ્રમિકો ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી દરમિયાન નીચે પટકાતા તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
વેલ્ડિંગ દરમિયાન પગ લપસતા દુર્ઘટના
મળતી માહિતી પ્રમાણે 28 વર્ષીય ચંદન દિલીપ દાસ અને 30 વર્ષીય પ્રણબ ડીંડા નામના બંને શ્રમિકો કંપનીમાં આવેલી પાણીની ટાંકી પર વેલ્ડિંગનું કામ કરવા ચઢ્યા હતા. ટાંકીની આસપાસ પાણી ઢોળાયેલું હોવાથી બંનેના પગ લપસ્યો હતો અને અંદાજે 30 નીચે પટકાયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી કંપનીના અન્ય કર્મચારીઓ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.
પોલીસ તપાસ શરૂ
પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.