રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં 'Coldrif' પર પ્રતિબંધ
File Photo: IANS |
Cough Syrup Case Impact in Gujarat: રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.
આરોગ્ય વિભાગને આપ્યા તપાસના આદેશ
કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ અભ્યાસના આધારે ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે
આ મામલે ઋષિકેશ પટેલે સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે.
મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 9 બાળકોના મૃત્યુ
મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપ સંબંધિત એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 9 બાળકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ સરકારે 'Coldrif' કફ સિરપ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘટનાની જાણ થતાં જ છિંદવાડા વહીવટી તંત્રએ અગાઉ જ 'Coldrif' અને 'Nextro-DS' સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ મૂકી દીધો હતો.
તપાસનો ધમધમાટ
મધ્યપ્રદેશ સરકારે રાજ્ય સ્તરે એક વિશેષ તપાસ ટીમની રચના કરી કરી છે. આ ટીમ સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને સારવાર કરનાર તબીબોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરશે. આ તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર(NCDC)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે અને સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે તે મુદ્દો મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બન્યો હતો. તેથી તેઓ આ મુદ્દાની તપાસ કરશે. અમે ફક્ત તપાસ કરી રહ્યા છીએ કે એક જ ઉત્પાદકનું એક જ ઉત્પાદન ગુજરાતમાં વેચાવું જોઈએ નહીં અને સમાન ઉત્પાદનોની સામગ્રી માટે અમે સ્કેન કરીશું.
આ પણ વાંચોઃ પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ
શું હતી ઘટના?
છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને આ સિરપ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 9 બાળકોને બચાવી શકાયા નહોતા.
આ બંને ઘટનાઓ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સાવચેત બની છે અને તપાસના આદેશ આપ્યા છે.
રાજસ્થાનમાં બે બાળકોના મોત
રાજસ્થાનમાં સામાન્ય કફ સિરપથી બે બાળકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સીકરના એક 5 વર્ષના છોકરાનું સોમવારે કફ સિરપ પીધાના થોડા કલાકો પછી મૃત્યુ થયું. બાળકને શરદી થઈ હતી, અને તેના માતાપિતા તેને ચિરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. નીતિશ સવારે ત્રણ વાગ્યે જાગી ગયો અને હેડકી આવતી હોવાથી તેની માતાએ પાણી આપતાં બાળક પાછો સૂઈ ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો જ ન હતો. સોમવારે, બાળકના માતા-પિતા તેને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સિવાય, 22 સપ્ટેમ્બરે બે વર્ષના સમ્રાટ જાધવ નામના બાળકનું કફ સિરપ પીવાથી મૃત્યુ થયું હતું. સમ્રાટ જાધવની માતાએ જણાવ્યું કે, સમ્રાટ, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટને શરદી થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાં કેસન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપવામાં આવ્યું. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોને કફ સિરપ પીવડાવ્યું હતું. પાંચ કલાક પછી તેમાંથી કોઈ જાગ્યું નહીં. પરિવાર ગભરાઈ ગયો. સાક્ષી અને વિરાટ અચાનક જાગી ગયા અને ઉલટી કરી, પરંતુ સમ્રાટ ના જાગ્યો. ત્યારબાદ પરિવાર તેને હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં 22 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું.