ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ
(AI IMAGE) |
Gujarat 55 lakh Ration Cards Suspicious: વાઇબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે જેના ભાગરુપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખાય રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ છે. આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છેકે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારાં 25 લાખનું ટર્નઓવર કરતાં લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં 15.66 લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં તબદીલ કરવાં નક્કી કરાયું છે.
25 લાખનું ટર્ન ઓવર કરનારા 2 હજાર લોકો લાભાર્થી બન્યા
વિકસીત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.60 કરોડ એનએફએસએ કાર્ડેધારકો છે. કાર્ડધારકોને મફત ઘઉં-ચોખા આપવામાં આવે છે. વિકાસના બણગાં ફૂંકવામાં આવી! રહ્યાં છે ત્યાર અસલિયત એ છે કે, લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે. કરુણતા એ છે કે, ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપે છે તેને સિધ્ધિ ગણાવી રહી છે. હકીકતમાં ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે.
5467 કંપની ડિરેક્ટર પણ મફત અનાજના હકદાર બની બેઠાં
હવે અન્ન પુરવઠા વિભાગે ગરીબોના નામે મફત અનાજ મેળવતા કાર્ડધારકોને શોધી કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. પાત્રતાના માપદંડ બંધ બેસતા ન હોવા છતાંય આર્થિક રીતે સુખી સંપન્ન લોકો એનએફએસએનું કાર્ડ ધરાવે છે. આવા લોકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.
15,66,492 રેશનકાર્ડ શંકાસ્પદ
એનએફએસએ કાર્ડધારકોએ જીલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે. મામલતદાર-તાલુકા કક્ષાની કમિટી ખુલાસો માન્ય રાખશે તો જ કાર્ડને એનએફએસએ યોજના અંતર્ગત રાખવામાં આવશે. નહીતર એ કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરાશે જેમાં અનાજ મળતુ બંધ થઇ જશે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગે 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડની તપાસ હાથ ધરવા નક્કી કર્યુ છે જેમાં પ્રથમ તબક્કામાં 15,66,492 રેશનકાર્ડ શંકાસ્પદ જણાયાં છે તે બધાય કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરાયાં છે.
મૃતકોના નામે પણ અનાજ લઇ લેવાયું
મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના નામે પણ અત્યાર સુધી અનાજ લઈ લેવાયુ છે. કેટલાય કાર્ડ તો એવાં છે જેમાં એક વર્ષથી કાર્ડધારકે રેશન જ મેળવ્યુ નથી. એક કરતાં અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતાં હોય તેની સંખ્યા પણ 3500થી વધુ છે. 22 હજાર કાર્ડધારકો તો ડુપ્લીકેટ નામ ધરાવે છે.
બે વર્ષમાં જ મફત અનાજ લેનારા 20 લાખ લોકો કેવી રીતે વધ્યા?
ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરુ પાડવામાં આવે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઇ છે. છેલ્લાં બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે.અન્ન પુરવઠા વિભાગે હવે સુખી સંપન્ન પરિવારોને શોધીને રેશનકાર્ડ રદ કરવાનુ અભિયાન તો શરૂ કર્યુ છે પણ સવાલ એ છે કે, આ રેશનકાર્ડ કાઢી આપનારાં કોણ? તેમની સામે કેમ પગલાં લેવાતા નથી.
ગરીબોનું અનાજ કોણ ખાઈ ગયું? અન્ન પુરવઠા વિભાગ તપાસ કરશે કે કેમ?
ગરીબ પરિવારો માટે લાભદાયી એનએફએસએ યોજનાનો સુખી સંપન્ન લોકો પણ લાભ લઈ રહ્યા હોવાનો અન્ન પુરવઠા વિભાગે દાવો કર્યો છે પણ લાખો ગરીબ કાર્ડધારકોનું હજારો ટન અનાજ કોણે ખાઈ ગયું? લાખો કરોડોનું અનાજ ફાળવી તો દેવાયું પણ બારોબાર કોણ લઈ ગયું તે તપાસને વિષય બન્યો છે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગ આ મામલે તપાસ કરશે કે પછી કાર્ડ રદ કરીને સંતોષ માણશે?
સરકારની બેધારી નીતિ: પહેલાં મફત અનાજ વહેચી વાહવાહી મેળવી, હવે કાર્ડ રદ કરી પ્રસિધ્ધી મેળવી
ગરીબી નાબુદી માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે ત્યારે છેવાડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે. કરોડો રૂપિયાનું મફત અનાજ વહેંચી સરકારે ધુમ વાહવાહી મેળવી લીધી. હવે આ જ સરકારે એનએફએશએ રેશનકાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરીને પ્રસિધ્ધી મેળવવાનું શરૂ કર્યુ છે.