કોરોનાએ ફરી માથું ઉંચક્યું : અમદાવાદમાં છેલ્લા 22 દિવસમાં કોરોનાના 38 દર્દી, 31 એક્ટિવ કેસ
Covid-19 Case Update: અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી હાલ હૉસ્પિટલમાં છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.
24 કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા
મળતી માહિતી મુજબ, મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના 38 દર્દી નોંધાયા છે. આ પૈકી હાલમાં 31 દર્દી હજુ સારવાર હેઠળ છે. જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના 80 ટકા કેસ માત્ર અમદાવાદથી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 20 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત છે. શ્વાસની તકલીફ થતાં આ યુવતી હાલમાં સોલા સિવિલ ખાતે ઑક્સિજન હેઠળ છે. સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુવતીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
આ પણ વાંચોઃ AMCએ ઈમ્પેક્ટ ફી ભરવાની મર્યાદા 6 મહિના લંબાવી, જાણો અત્યાર સુધી કેટલી અરજી મંજૂર થઈ?
સરકારી હૉસ્પિટલમાં શરુ કરાઈ તૈયારીઓ
કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હૉસ્પિટલોમાં તૈયારી શરુ કરી દેવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલ તેમજ SVP અને શારદાબેન હૉસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હૉસ્પિટલ તૈયાર છે. ઑક્સિજનની જરૂર પડે તો 20 હજાર લીટરની બે ઑક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમનામાં કયા વેરિએન્ટ છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટ, મહેસાણામાં કોવિડના કેસ
ગુરુવારે (22 મે) રાજકોટમાં 43 વર્ષીય પુરુષ કોવિડ પોઝિટિવ આવતાં તે હાલ હોમ આઇસોલેશનમાં છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતાં તેને દાખલ કરાયો હતો. જ્યાં ટેસ્ટ કરાતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્ચું હતું.
આ પણ વાંચોઃ લીંબડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકતા અડધા શહેરમાં 6 કલાક વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી
કોરોનાના કેસ વધતાં આરોગ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. જરૂર ન હોય તો ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શરદી, ખાંસી અથવા શ્વાસ ચડે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. તબીબોના મતે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધુ નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
શરદી-ખાંસી-શ્વાસના દર્દીઓ પર આરોગ્ય વિભાગની નજર
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે પરિણામે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ખાસ કરીને શરદી, ખાંસી અને શ્વાસના દર્દીઓ પર નજર રાખવા તબીબોને સૂચના અપાઈ છે. એટલું જ નહીં, જરૂર જણાય તો, શંકાસ્પદ દર્દીનો કોરોના ટેસ્ટ સહિત સારવાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.