લીંબડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકતા અડધા શહેરમાં 6 કલાક વીજ પુરવઠો ખોરવાયો

ગુરૃવારે
મોડી રાતે આનંદ પાર્ક સોસાયટીમાં સમસ્યા સર્જાઈ હતી
૨૦થી
વધુ સોસાયટીમાં ૧૮ કલાકથી વધુ વીજળી નહીં આવતા કાળઝાળ ગરમીમાં લોકો બફાયા ઃ
કચેરીનો ફોન પણ બંધ આવતા લોકોમાં આક્રોશ
લીંબડી -
લીંબડીમાં આનંદપાર્ક સોસાયટીમાં ગત મોડી રાતે વીજ ડીપીમાં
અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. વીજ ડીપીમાં આગના કારણે લીંબડી શહેરના
અડધા વિસ્તારમાં ૬ કલાક જ્યારે ૨૦થી વધુ સોસાયટીઓમાં ૧૮ કલાક સુધી વીજ પુરવઠો
ખોરવાઈ ગયો હતો.
લીંબડી
રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આનંદપાર્ક સોસાયટીમાં ગત મોડી રાતે વીજ ડીપીમાં અગમ્ય
કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
લાગતા આનંદપાર્ક, અવધપુરી, હરિઓમનગર, વૃંદાવન,
શક્તિ, રામકૃષ્ણનગર સહિતની ૨૦થી વધુ
સોસાયટીઓમાં ૧૮ કલાકથી વધુ તથા શહેરના આઝાદ ચોકથી રેલવે સ્ટેશન રોડ પર આવેલા તમામ
વિસ્તારમાં ૬ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો ગરમીમાં બફાયા હતા.
લીંબડી
શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલ તંત્ર દ્વારા દરરોજ
રાત્રીના સમયે બેથી ત્રણ કલાક સુધી અડઘો અડઘો કલાકે વીજ કાપ મુકી દેવામાં આવે છે.
જેને કારણે નાના બાળકો, સિનિયર સિટીઝન તથા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જ્યારે હાલ ઉનાળાની
કાળઝાળ ગરમીમાં વીજ વોલ્ટેજ વધઘટ થતાં તથા વીજકાપના કારણે શહેરીજનો પરેશાની ભોગવી
રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. વીજ
ફોલ્ટ અંગે ફરિયાદ નોંધાવવા માટેનો ફોન પણ બંધ આવતો હોવાનો ગ્રાહકો આક્ષેપ કરી
રહ્યા છે. વહેલી તકે સમસ્યા ઉકેલવા માંગણી ઉઠી છે.

