Get The App

બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા દંપતીનો ફ્લેટ સીલ થશે

બેંક દ્વારા ફ્લેટની દરવાજા પર નોટિસ ચોંટાડવામાં આવતા ભાંડો ફૂટયો : એસ.પી. ઇન્ફ્રાના ભાગીદારો સામે ગુનો દાખલ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા  દંપતીનો ફ્લેટ સીલ થશે 1 - image

 વડોદરા, ૩૫.૫૭ લાખ ચૂકવી ફ્લેટ ખરીદનાર દંપતીનો ફ્લેટ બિલ્ડરે ૧૩ કરોડની પ્રોજેક્ટ લોન માટે ગેરંટીમાં રાખ્યો હતો. બિલ્ડરે લોન ભરપાઇ નહીં કરતા ફ્લેટને સીલ કરવા માટે બેંકની નોટિસ આવી હતી. ફ્લેટ માલિકે આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતા પ્રીતમબેન નીરવકુમાર દવે હાલમાં ન્યુ વી.આઇ.પી. રોડ સિદ્ધેશ્વર પ્લાઝામાં રહે છે. તેમણે બાપોદ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એસ.પી. ઇન્ફ્રાના ભાગીદાર (૧) મનિષ ભાદાભાઇ પાનસુરીયા (૨) પ્રવિણ ભાદાભાઇ પાનસુરીયા (૩) કિશોર ભાદાભાઇ પાનસુરીયા તથા (૪) સુરેશ ભાદાભાઇ પાનસુરીયાએ ન્યુ વી.આઇ.પી. રોડ પર સુપર બેકરીની બાજુમાં શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા નામની સાઇટ બનાવી હતી.અમે ૫૦૩ નંબરનો ફ્લેટ ૨૯.૭૬ લાખમાં આજીવન મેન્ટેનન્સ તથા લાઇટ બિલ મીટર સાથે નક્કી કર્યો હતો. તેમજ  વેચાણ દસ્તાવેજના ખર્ચ પેટે ૫.૮૧ મળી કુલ ૩૫.૫૭ લાખ કિંમત નક્કી કરી હતી. અમે તમામ રૃપિયા ચૂકવી આપતા તા. ૨-૮-૨૦૨૧ ના રોજ મકાનનું પજેશન અમને સોંપ્યુ હતું. 

અમે અવાર - નવાર મહિસાગરથી આ ફ્લેટ પર આવતા હતા. ગત ૨૨ મી મે ના રોજ હું મારા ફ્લેટ પર આવી ત્યારે દરવાજા  પર બેંકની નોટિસ ચોંટાડેલી હતી. બેંકમાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડરોએ ૧૩ કરોડની પ્રોજેક્ટ લોન લીધી હતી. જે પૈકી ૬ કરોડ ચૂકવવાના બાકી  હોઇ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મનિષ, પ્રવિણ, કિશોર, સુરેશ તથા રવિ સુરેશભાઇ પાનસુરીયા ( તમામ રહે.પ્રેમ દર્શન, સમા - સાવલી રોડ, વેમાલી) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.