Gujarat

આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા

By GS TEAM
18 Nov 20252 mins read
આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા

- હુમલો કરી ફરાર રિક્ષા ચાલકની શોધખોળ

- એકલા રહેતા દંપતીએ 5 મહિનાથી અન્ય રિક્ષા ભાડે બાંધી હતી : ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

આણંદ : આણંદ પાસેના ચિખોદરા ગામના ખ્રિસ્તી મોહલ્લા નજીક બે દિવસ પૂર્વે રાત્રીના સુમારે ભાડેથી કરેલ રિક્ષા બંધ કરી દેવા બાબતે રીસ રાખી રીક્ષા ચાલકે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર ચપ્પાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ પાસેના ચિખોદરા ગામે રહેતા રેખાબેન શૈલેષભાઈ પટેલના પતિને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ હોવાથી અને તેમણે ઓપરેશન કરાવેલું હોવાથી ઘરે જ રહે છે. પુત્ર લંડન ખાતે રહે છે. શૈલેષભાઈ પટેલ તથા રેખાબેનને બહાર જવા-આવવા માટે ચિખોદરા ગામના રિક્ષા ચાલક સાગર અશોકભાઈ મકવાણાની રિક્ષા ભાડે રાખી હતી. છેલ્લા પાંચેક મહિનાથી રેખાબેને સાગરભાઇની રિક્ષા બંધ કરી ગામના અન્ય ચાલક પ્રતિક જીતુભાઈ તળપદાની રિક્ષા ભાડે રાખી અવર-જવર શરૂ કરી હતી. સાગરને આ ગમતું ન હોવાથી અવારનવાર રેખાબેન સાથે રિક્ષા ફરી ભાડે શરૂ કરવા વાતચીત કરી દબાણ કરી પીછો કરતો હતો. દરમિયાન ગત તા. ૧૫મીના રોજ વડોદરા ખાતે રહેતા બહેન આણંદ ખાતે આવતા રેખાબેન એક્ટિવા લઈને આણંદ ગયા હતા. જ્યાં પ્રતીકની રીક્ષા બોલાવી આણંદ વિદ્યાનગર રોડ ઉપર જમવા ગયા હતા. બાદમાં રેખાબેન પરત એક્ટિવા ઉપર અને તેણીની બહેન તથા સંતાનો રિક્ષામાં ચિખોદરા આવવા નીકળ્યા હતા. રાત્રિના સુમારે ઘર પાસે આવતા સાગર મકવાણા આવી પહોંચ્યો હતો અને ચપ્પુના ઘા મારી રેખાબહેનને ઇજાઓ પહોંચાડી હતી. તેણીની બહેન વૈશાલી અને પતિ શૈલેષભાઈ ઉપર પણ ચપ્પાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી સાગર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે પોલીસે ઘટના સ્થળેથી હુમલો કરવામાં વપરાયેલું ચપ્પુ જપ્ત કરી રેખાબેન પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર સાગર મકવાણાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.