For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડ્રેનેજ લાઈનની સફાઈમાં પણ નર્યો ભ્રષ્ટાચાર, પાણી કમિટીમાં ડ્રેનેજ લાઈનની સફાઈના નામે પાંચ કરોડની રકમની ભાગબટાઈ કરી લેવા દરખાસ્ત

સુપર સકર મશીનથી ડ્રેનેજ સફાઈનાં ઓઠા હેઠળ મોટી રકમનો કોન્ટ્રાકટ આપી અધિકારીઓ-સત્તાધીશો મલાઈ તારવી લેશે

Updated: Sep 25th, 2022

Article Content Image

અમદાવાદ,રવિવાર, 25 સપ્ટેમ્બર,2022

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમા આવેલી ડ્રેનેજ લાઈનની સુપર સકર મશીનથી સફાઈ કરાવવાના નામે આજે મળનારી મ્યુનિ.ની પાણી કમિટીમા પાંચ કરોડથી વધુના ખર્ચને મંજુર કરવાની અલગ અલગ વિવાદાસ્પદ દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે.સીસીટીવી કેમેરા અને સુપર સકર મશીનની મદદથી ડ્રેનેજ લાઈનની સફાઈ કરાવવાના ઓઠા હેઠળ કોન્ટ્રાકટરને અંદાજીત ભાવથી ૧૧.૨૫ ટકા રકમ વધુ ચુકવવા શાસકો તત્પર બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર એટલી હદે ફુલ્યો ફાલ્યો છે કે હવે સુપર સકર મશીનથી ડ્રેનેજ સફાઈનાં ઓઠા હેઠળ મોટી રકમનો કોન્ટ્રાકટ આપી સત્તાધીશો કોન્ટ્રાકટર અને અધિકારીઓ સાથે ભાગબટાઈ કરી લેશે અને ડ્રેનેજ લાઈનની સમસ્યા ફરી જેમની તેમ જોવા મળશે.

શહેરના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ડ્રેનેજ લાઈન ઉપરાંત મશીનહોલ તથા કેચપીટની સફાઈ મ્યુનિ.તંત્ર તરફથી બે પધ્ધતિથી કરાવવામા આવી રહી છે.કોટ વિસ્તાર ઉપરાંત જયાં સાંકડા રસ્તા આવેલા છે તે સ્થળોએ બકેટ રીક્ષાની મદદથી અને સુપર સકર મશીન એમ બે પ્રકારે ડ્રેનેજ લાઈનનુ ડીસીલ્ટિંગ કોન્ટ્રાકટ આપી કરાવવામા આવી રહયુ છે.પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડમાં હયાત ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન સીસીટીવી કેમેરાથી સુપર સકર મશીનથી ડીસીલ્ટિંગ કરાવવા વાર્ષિક રેઈટ ટેન્ડરથી કોન્ટ્રાકટર બાલીબોય ઈન્ડીયાના અંદાજીત ભાવથી ૧૧.૨૫ ટકા વધુ ભાવના એટલે કે રુપિયા ૪,૯૨,૯૫,૨૦૦ના ટેન્ડરને મંજુરી આપવા કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ છે.

મધ્યઝોનના જમાલપુર વોર્ડ કે જયાં બકેટ રીક્ષા પધ્ધતિથી પણ ડ્રેનેજ સફાઈ કરાવાય છે ત્યાં જુદી જુદી જગ્યાઓએ સુપર સકર મશીનની મદદથી ડીસીલ્ટિંગ કરાવવા કેપીટલ એન્જીનિયરીંગ કોર્પોરેશનના અંદાજીત ભાવથી ૧૫.૯૯ ટકા વધુ ભાવના એટલે કે ૩૩,૩૦,૫૨૬ની રકમના ટેન્ડરને મંજુરી આપવા દરખાસ્ત રજુ કરાઈ છે.આ ઉપરાંત બહેરામપુરા વોર્ડમા નવી વસાહત અને આસપાસમા આવેલ વિસ્તારમા નવી સિસ્ટેમેટીક ડ્રેનેજ લાઈનનુ નેટવર્ક નાંખ્યા બાદ તેનો ડીસ્ચાર્જ કોઝી હોટલના પાછળના ભાગમા નવુ સમ્પ પ્રકારનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવા અંદાજીત ભાવથી પાંચ ટકા વધુ ભાવથી રુપિયા ૨.૩૩ કરોડથી વધુ રકમ સાથેના મારુતિ કન્સ્ટ્રકશનના સીંગલ ટેન્ડરને પણ મંજુરી અપાશે.જોધપુર વોર્ડમાં આવેલ સોસાયટીઓમાં એમ.પી.એમ.એલ.એ.તથા કોર્પોરેટરોના બજેટની ગ્રાન્ટમાંથી ડ્રેનેજ લાઈન,કેચપીટ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવા અંદાજીત ભાવથી ૧૯.૭૭ ટકા વધુ ભાવના વંશ કોર્પોરેશનના રુપિયા ૫૮,૬૯,૨૭૭ની રકમના વાર્ષિક રેઈટ ટેન્ડરને પણ મંજુરી આપવા દરખાસ્ત કમિટીમા રજુ કરાઈ છે.

૧૬ મહિનામાં  ડ્રેનેજ સફાઈ પાછળ ૨૫ કરોડ ખર્ચાયા

અમદાવાદના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલ ડ્રેનેજની સી.સી.ટી.વી.કેમેરા અને સુપર સકર મશીનની મદદથી સફાઈ કરવા પાછળ છેલ્લા ૧૬ મહિનામાં ૨૫ કરોડથી પણ વધુની રકમનું આંધણ કરવામા આવ્યુ છે.આમ છતા શહેરના મોટાભાગના વિસ્તારમાં ગટર ઉભરાવી, ગટરના પાણી બેક મારી લોકોના ઘર સુધી પહોંચવા જેવી ફરિયાદો હવે રોજની બની ગઈ છે.એપ્રિલ-૨૦૨૧થી ઓગસ્ટ-૨૦૨૨ સુધીના સમય દરમિયાન મ્યુનિ.દ્વારા સી.સી.ટી.વી.થી સફાઈ કરાવાના જે કોન્ટ્રાકટ આપવામા આવ્યા છે.એમા સૌથી વધુ કોન્ટ્રાકટ બાલી બોય ઈન્ડીયા અને વી.એન.એન્જિનિયરીંગ તથા સાંઈ ટયુબવેલને અનુક્રમે છ-છ કોન્ટ્રાકટ આપવામા આવ્યા છે.રુબીકોન ઈન્સપેકશન સીસ્ટમ પ્રા.લી.તથા કેપીટલ એન્જિનિયરીંગને અનુક્રમે ત્રણ-ત્રણ કોન્ટ્રાકટ આપવામા આવ્યા છે.એક કોન્ટ્રાકટ અરુણકુમાર ગોએલને આપવામા આવ્યો છે.

ડીસીલ્ટિંગની કામગીરી મેળવવા ત્રીસ સુધીની ટકાવારી વહેંચવી પડે છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ તરફથી કોન્ટ્રાકટરો પાસે કરાવવામા આવતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન સફાઈની કામગીરી હોય કે નવા મશીન હોલ કે કેચપીટ બનાવવાની કામગીરી કોન્ટ્રાકટથી કરાવવાની હોય આ પ્રકારની તમામ કામગીરીમાં કામ મેળવનારા કોન્ટ્રાકટરને ત્રીસ ટકા સુધીની રકમ ટકાવારી પેટે વહેંચવી પડતી હોય છે.કોન્ટ્રાકટરોની સાથે આ રકમની ભાગબટાઈમા ઈજનેર વિભાગના નીચેના અધિકારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો સુધી ટકાવારીની રકમ ના પહોંચે ત્યાં સુધી ટેન્ડરને મંજુરી અપાતી નથી કે કામગીરી કરવા કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ મળતો નથી.

Gujarat