Get The App

અમદાવાદ પણ 'જળકાંડ' ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
Contaminated water


Ahmedabad News : સ્વચ્છતામાં દેશના સૌ પ્રથમ શહેર એવા ઈન્દોર અને અમદાવાદની પરિસ્થિતિમાં બહુ તફાવત નથી.અમદાવાદના ચાર ઝોનમાં 150થી વઘુ સ્પોટ એવા છે કે, જ્યાં 30થી 50 વર્ષ જૂની પાણી અને ડ્રેનેજની લાઈન આવેલી છે. દૂષિત પાણીની સમસ્યાના કારણે જે તે વિસ્તારના લોકોના પેટમાં ગરબડ થવા સહિતની તકલીફ રોજની બની ગઈ છે. આમ છતાં કોર્પોરેશનના સત્તાધીશો રૂપિયા 1 કરોડના ખર્ચે હાઈજેનિક પાણી પીશે.

અમદાવાદમાં 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર સહિતના મઘ્યઝોન ઉપરાંત દક્ષિણ તથા પૂર્વ અને ઉત્તરઝોનમાં  મોટાભાગે પોળ અને ચાલી વિસ્તાર આવેલો છે. આ એવા વિસ્તાર છે કે જે સાંકડા રસ્તા ઉપર આવેલા છે. વર્ષો પહેલાં અમદાવાદમાં બનેલી ચાલીઓના મકાન નીચેથી પણ જે તે વિસ્તારની કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન આવેલી છે. આ પ્રકારના સ્પોટ ઉપર ગટર ઉભરાવી, ડ્રેનેજના પાણી બેક મારવાથી લઈ પ્રદૂષિત પાણી આવવું અથવા તો પાણીમાં વાસ આવવી જેવી સમસ્યાનો વર્ષોથી કોઈ કાયમી ઉકેલ કોર્પોરેશન લાવી શક્યું નથી. 

આ માટે તંત્રની દલીલ છે કે, જો પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો જે તે વિસ્તારની ચાલીના મકાન તોડી નીચે રહેલી પાણી કે ડ્રેનેજની લાઈન નવી નાંખવી પડે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલા કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા રૂપિયા 300 કરોડથી વઘુનું પેકેજ ફાળવ્યુ હતુ. જેનો હાલમાં પણ પૂરો અમલ કોર્પોરેશન કરી શક્યું નથી. મઘ્યઝોનમાં મંથરગતિથી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂરી થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. ત્યાં સુધી લોકોને હેરાન થવું જ પડશે.

દૂષિત પાણીની સમસ્યાવાળા સ્થળો 

- ખાડીયા, સારંગપુર,દોલતખાના, કાકાબળીયાની પોળ, રતનપોળ, ભજ ગોવિંદની ખડકી, સારંગપુર, જયેન્દ્ર પંડીત નગર, પંચમુખી મહાદેવની ચાલી, સારંગપુર પુલ નીચે, રાયપુર દરવાજા બહાર.

- જમાલપુર, ટોકરશાની પોળ, સોદાગરની નાની અને મોટી પોળ, મોરકસવાડ, મિરઝાપુર, લોધવાડ, જાન સાહેબની ગલી, શાહપુર મિલ કમ્પાઉન્ડ, ભીલ વાસ, સુલેહખાના,કડવા શેરી, કાચની મસ્જિદ, સિંધી વાડ.

- શાહપુર, ગવર્મેન્ટ કોલોનીના મોટાભાગના બ્લોક, ભગુભાઈની ચાલી, ઈન્દિરાનગરના છાપરાં, બાપાલાલની ચાલી,આલમપુરા.

- બાપુનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ.

- સરસપુર, શારદાબેન હોસ્પિટલ આસપાસ, મેજિસ્ટ્રેટની ચાલી, દુલાભાઈની ચાલી, જાલમપુરીની ચાલી,પઠાણની ચાલી,પરમાનંદની ચાલી, સુલેમાનની ચાલી, જી.એમ.કમ્પાઉન્ડ, દામોદરના છાપરાં.

- બહેરામપુરા, ફતેહનગર,ફૈઝલનગર, બોમ્બે હોટલ આસપાસ, મહારાજની ચાલી, વણકર વાસ, ચામુંડાનગર, રામાપીરની ચાલી, છગન રબારીની ચાલી, ૪૨ની ચાલી, દશામાનો ચોક, રામ રહીમનો ટેકરો,સંતોષ નગર, પેટલાદ વાળી ચાલી,જીતુભગત કમ્પાઉન્ડ, પાનવાળી ચાલી.

- દાણીલીમડા, મજૂર ગામ, મજૂર ગામની ચાલી, છોટુભાઈની ચાલી, પરિક્ષિત લાલ નગર, સાકળચંદ મુખીની ચાલી,હનુમાનની ચાલી, મિલ્લત નગર,વીરમાયા નગર, જેનબ બીબીની ચાલી, રહીમ  ભાઈની ચાલી.

- વટવા, સૈયદવાડી, વટવા ગામ તલાવડી આસપાસનો વિસ્તાર, નારોલ ગામ, નારોલ કોર્ટની આસપાસનો વિસ્તાર, ખાનવાડી.

- ગોમતીપુર, નુરભાઈ ધોબીની ચાલી, સુવા પંખની ચાલી, સુંદરમ નગર.

પાણીજન્ય રોગની સ્થિતિ
રોગ202320242025
ઝાડાઉલ્ટી684799795610
ટાઈફોઈડ430853353807
કમળો173933742859
કોલેરા95202103


કલોરિન ટેસ્ટની સ્થિતિ

વર્ષ 2023 : ટેસ્ટ-1,75,359, કલોરિન નીલ-4236

વર્ષ 2024 : ટેસ્ટ-4,07,538, કલોરિન નીલ-5779

વર્ષ 2025 :  ટેસ્ટ-5,22,431, કલોરિન નીલ- 751

આ પણ વાંચો: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ! હવે ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે

દૂષિત પાણીમાં કયા વાયરસ હોય છે?

દૂષિત પાણીમાં અનેક પ્રકારના વાયરસ હોઈ શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. જેમાં આ મુજબના વાયરસ જોવા મળે છે. 

હેપેટાઈટિસ A અને E

યકૃત (લિવર)ને અસર કરે છે, દૂષિત પાણી પીવાથી ફેલાય છે. 

રોટા વાયરસ

ખાસ કરીને બાળકોમાં ડાયરીયા માટે જવાબદાર, પાણી અથવા ગંદા હાથથી ફેલાય છે. 

નોરા વાયરસ

અચાનક ઉલ્ટી અને ડાયેરિયાનું કારણ, બહુ ઓછા પ્રમાણમાં પણ ચેપ ફેલાવે છે. 

એન્ટેરો વાયરસ

તાવ, શરદી, ક્યારેક ન્યુરોલોજીકલ સમસ્યા, ગંદા પાણીથી શરીરમાં પ્રવેશે છે. 

એડેનો વાયરસ

આંખ, શ્વાસનળી અને પાચનતંત્રને અસર, તળાવો કે અસ્વચ્છ પાણીથી ફેલાય છે. 

લીકેજીસના સમારકામમાં સીસુ ભરાતું નહીં હોવાની ફરિયાદ

અગાઉના વર્ષોમાં શહેરમાં પાણી કે ડ્રેનેજ લાઈનના લીકેજીસના સમારકામ સમયે કોન્ટ્રાકટરના માણસો દ્વારા સીસુ ભરવામા આવતુ હતુ. છેલ્લા કેટલાક સમયથી અનેક સ્પોટ ઉપર લીકેજીસના સમારકામ સમયે સીસુ ભરાતુ નહીં હોવાથી અઠવાડીયા પછી ફરી પ્રદૂષિત પાણી આવતુ હોવાની લોકો તરફથી ફરિયાદ તંત્ર સમક્ષ કરાઈ રહી છે. તંત્રના જે અધિકારીઓને સુપરવિઝન કરવાનુ હોય તે પણ કામગીરી સમયે હાજર રહેતા નહીં હોવાથી કોન્ટ્રાકટરના માણસો વેઠ ઉતારીને જતા રહેતા હોવાની વ્યાપક ફરિયાદ છે.

આ પણ વાંચો: હવે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા ઈન્દિરા બ્રિજ પર તિરાડ, વાહનચાલકો ભયભીત

દૂષિત પાણીની સમસ્યા ઉકેલવા ઝોન દીઠ વાર્ષિક 5થી 7 કરોડનો ખર્ચ

શહેરના 7 પૈકી 4 ઝોનમાં આવેલા મોટાભાગના સ્પોટ ઉપર પ્રદૂષિત પાણી આવવાની રોજ મોટી સંખ્યામાં કોર્પોરેશનને ફરિયાદ મળે છે. પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા પાણી કે ડ્રેનેજની લાઈનના લીકેજીસના સમારકામ કરવાથી લઈ જયાં સુધી પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલાય નહીં ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોને પીવાનુ પાણી ટેન્કરથી પુરુ પાડવામાં આવે છે. આ તમામ કામગીરી ઝોન કક્ષાએ વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ આપીને કરાવવામાં આવે છે. જેની પાછળ ઝોન દીઠ અંદાજિત વાર્ષિક રૂપિયા 5થી 7 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.