Get The App

રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ! હવે ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ! હવે ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે 1 - image


Ration Card News : રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મુક્તિ  મળશે કેમકે, હવે ક્યુઆર કોડ સ્કેન કરતા જ ખાંડ, મીઠું, અનાજ મળશે. લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી અનાજ વિતરણ પ્રણાલી વઘુ સરળ બનાવાઇ છે . રાજ્યમાં અમદાવાદ શહેર માં સાબરમતી  ઝોનમાં ’ડિજિટલ ફૂડ કરન્સી’ના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.

અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

રાજ્ય અન્ન પુરવઠા વિભાગે અનાજ વિતરણ પ્રણાલીને વઘુ સરળ બનાવી છે જેમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ બનાવાયું છે. દર મહિનાની પહેલી તારીખે કાર્ડધારકના વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કુપન જમા થઈ જશે.  લાભાર્થીએ સસ્તા અનાજની દુકાને જઇ માત્ર દુકાનદારનો  કોડ સ્કેન કરવાનો રહેશે. કુપન રિડીમ થઈ જતાં જ ખાંડ, અનાજ મળી જશે. 

લોકોને મળશે રાહત કેમ કે... 

વારંવાર સર્વર ડાઉન થતાં અંગૂઠાના નિશાન ( બાયોમેટ્રિક્સ )નો પ્રશ્ન ઉભો થતો હતો અને કાર્ડધારકોને અનાજ મેળવવામાં વિલબ થતો હતો. હવે આ ઝંઝટમાંથી કાર્ડધારકોને મુક્તિ મળશે કેમકે, લાંબી પ્રોસેસને બદલે માત્ર સ્કેન કરવાથી જ અનાજ મળી જતાં કાર્ડધારકોના સમયની પણ બચત થશે. 

હવે જથ્થાની જાણકારી પહેલા જ મળી જશે 

મહત્વની વાત એ છે કે, લાભાર્થી  મોબાઈલ ફોનના સ્ક્રીન પર અગાઉથી જ ખાંડ, અનાજ સહિત અન્ય કેટલી વસ્તુઓનો લાભ મળવાનો છે તે જોઈ શકશે. વધુમાં, દુકાનદાર પાસેથી કૂપન રિડીમ થયા પછી કાર્ડધારકે મેળવેલી વસ્તુઓની રિસીપ્ટ પણ મોબાઈલ ફોનમાં રિયલ ટાઈમમાં મળી રહેશે. લાભાર્થી એ વાત પણ જાણી શકશે કે, પ્રત્યેક કાર્ડધારક માટે રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરી રહી છે.   આ ઉપરાંત દુકાનદારને પણ જથ્થાની વિગતો તરત જ રિયલ ટાઈમમાં અપડેટ મળી જશે. અમદાવાદમાં સાબરમતી ખાતે પચ્ચીસ રેશનકાર્ડ ધારકો પર રિયલ ટાઈમ બેઝીસ ટેસ્ટિંગ કરાયું છે. આગામી દિવસોમાં આખાય રાજ્યમાં આ લેટેસ્ટ પઘ્ધતિનું અમલીકરણ કરાશે.