Crack on Indira Bridge, Ahmedabad : અમદાવાદ શહેરમાં બ્રિજ સમારકામ અને રખરખાવના નામે ચાલતા ધુપ્પલના કારણે સાબરમતી નદી પરના એક પછી એક બ્રિજમાં ગંભીર ખામીઓ સામે આવી રહી છે. સુભાષ બ્રિજ બંધ છે, તેવા સમયે ટ્રાફિકનું ભારણ જ્યાં વધ્યું છે, તેવા ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી હોવાનું ધ્યાને આવ્યું છે. જોકે, વાહન ચાલકોમાં ભય પેદા કરનારી આ બાબતે મ્યુનિ. કોર્પોરેશન કે માર્ગ અને મકાન વિભાગ હજી સુધી અજાણ છે!
ઈન્દિરા બ્રિજ પર તિરાડ પડતાં વાહનચાલકો ભયભીત
સાબરમતી નદી પરના બ્રિજ મામલે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો તાલ સામે આવ્યો છે. એક મહિના પહેલા જોખમી તિરાડ પડી જવાના કારણે સુભાષ બ્રિજ બંધ કરીને નવીનીકરણનો નિર્ણય કરાયો છે. થોડા દિવસો પહેલા નહેરુ બ્રિજ પર જોઈન્ટના બેરિંગ ખુલી ગયા હોવાનું સામે આવ્યું હતું.
ગઈકાલે શનિવારે (3 જાન્યુઆરી, 2026) ઋષિ દધીચિ બ્રિજ પર પણ પોપડા ઉખડી ગયા હતા. તેવામાં હવે ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી હોવાનું ધ્યાને આવ્યું છે. બ્રિજની વચ્ચે જ પડેલી આ તિરાડ ફક્ત ઉપરના ભાગ પૂરતી સિમિત છે કે અંદર પણ નુકસાની થઈ છે? તે તપાસનો વિષય છે.
સાબરમત નદી પરના ત્રણ-ત્રણ બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ પણ અન્ય બ્રિજોની વિસ્તૃત તપાસ કરવાની તસ્દી લેવામાં આવી નથી. પરિણામે સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.



