પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ
Par-Tapi Project: પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસીઓ એક ઈંચ પણ જમીન આપવાના મૂડમાં નથી. આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી. કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. બીજી બાજું કોંગ્રેસે આજે ધરપુરમાં વિશાળ રેલી-સભાનું આયોજન કર્યું છે, ત્યારે સરકારે આ કાર્યક્રમને ફ્લોપ કરવા ષડયંત્ર રચ્યુ છે. આમ, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સરકાર-કોંગ્રેસ સામસામે આવ્યાં છે.
કોંગ્રેસે યોજી ભવ્ય રેલી-સભા
ગુરૂવારે (14 ઓગસ્ટ) કોંગ્રેસ અને અન્ય આદિવાસી સંગઠનો દ્વારા બિરસામુંડા સર્કલથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવાની વાત ફક્ત આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે છે. જ્યાં સુધી સરકાર શ્વેત પત્રમાં લખીને નહીં આપે કે, આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ.
પાર-તાપી પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ
નોંધનીય છે કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવાના મુદ્દે આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. આદિવાસી સંસ્થાઓની સાથે આદિવાસી સમાજ આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે રસ્તે ઉતર્યા છે. આ સિવાય આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, ધવલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે અને સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. રેલીમાં હાજર તમામ લોકો એક સૂરમાં પાર-તાપી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન એમ્બ્યુન્સ ફસાઈ
આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ભીડ દ્વારા રસ્તો રોકવામાં આવ્યો હતો. જેના કારણે કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. આ ટ્રાફિક જામના કારણે થોડા સમય સુધી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જોકે, બાદમાં પોલીસ અને સ્થાનિકો દ્વારા રસ્તો કરી આપતા એમ્બ્યુલન્સ સરળતાથી નીકળી ગઈ હતી.
અમિત ચાવડાએ શું કહ્યું?
આ વિરોધને લઈને અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો તે ફક્ત એક જુમલો છે અને ભોળી આદિવાસી પ્રજાને ભરમાવવામાં આવી રહી છે. આ સરકાર આદિવાસી સમાજને વિસ્થાપિત કરી આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા ઈચ્છે છે અને તેમનું જંગલ અને ઘર તેમની પાસેથી છીનવવા માંગે છે. આજે જ્યારે સમાજ તેમની તાનાશાહીની વિરૂદ્ધમાં રસ્તા પર ઉતર્યો ત્યારે આ સરકાર તેમને ગુમરાહ કરી રહી છે. મંત્રીઓ અને ભાજપના નેતાઓ બેબુનિયાદ રીતે વિગતો આપે છે, એકબાજુ ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ એવું કહે છે કે, આ પ્રોજેક્ટ રદ કરી દેવાયો છે. ત્યાં બીજી બાજું સંસદમાં ભાજપના જ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવે છે કે, હાલ આ પ્રોજેક્ટને પ્રાયોરિટી લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે તેને રદ કરવામાં નથી આવ્યો. તેથી જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ નહીં થાય અમારી લડાઈ શરૂ રહેશે. જ્યાં સુધી સરકાર શ્વેત પત્રમાં લખીને નહીં આપે કે, પ્રોજેક્ટ રદ કરાયો છે, ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ.
રાજ્યસભામાં સરકારે કર્યો ખુલાસો
ગુજરાતમાં પાર તાપી નર્મદા રીવર/લીંક પ્રોજેક્ટ મુદ્દે ભાજપના સાંસદ બાબુભાઇ દેસાઈએ સવાલ પૂછતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે એવો જવાબ રજૂ કર્યો કે, ગુજરાતમાં પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટના ડીપીઆરમાં ગુજરાતના કયા વિસ્તારના કેટલાં ગામો અસરગ્રસ્ત થશે. કેટલા લોકો વિસ્થાપિત થશે. આ તમામ વિગતો સાથે ડીપીઆર મૂકવામાં આવ્યો છે. આજે સરકારે સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે, રાજ્યસભામાં આ પ્રોજેક્ટ મુદ્દે માત્ર જવાબ અપાયો છે. કોઈ નવો ડીપીઆર રજૂ કરાયો નથી. ખુદ ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સ્થિગત કર્યો છે તે નિર્ણય પર યથાવત છે.
જીજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર
આ તરફ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોપ મૂક્યો છે કે, આદિવાસીઓના ઉગ્ર આંદોલનને કારણે સરકાર ફફડી ઉઠી છે. અમારી રેલીને ફ્લોપ કરવા અને આદિવાસીઓનો રોષ ઠારવા સરકાર ખોટુ બોલી રહી છે. પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટનો ડીપીઆર પૂરો થઇ ચૂક્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે જણાવ્યુંકે, આ પ્રોજેક્ટ હાલ પ્રાથમિકતામાં નથી. લોકસભા અને રાજ્યસભામાં બે બે વાર જવાબ રજૂ કરાયો કે પાર તાપી રિવરલિંક પ્રોજેકટનો ડીપીઆર પૂર્ણ થયો છે. હવે સવાલ એ છે કે, શું ગુજરાત સરકાર સાચી કે પછી સાંસદમાં રજૂ કરાયેલાં જવાબ સાચો? હજુ અસમંજસની સ્થિતી પ્રવર્તી રહી છે.
વલસાડના સાંસદ ધવલ પટેલનું વિવાદાસ્પદ નિવેદન
પાર તાપી લિંક પ્રોજેક્ટ મુદ્દે લોકોને ગોળગોળ ફેરવ્યા બાદ સરકાર બેકફુટ પર આવી ગઈ છે. આ દરમિયાન પ્રોજેકટ રદ કર્યાનો રાજ્યના આરોગ્યમંત્રીનો પત્ર બતાવવા વલસાડના સાંસદ ધવલ પટેલે વિઝ્યુઅલ મીડિયા સહિત સિલેક્ટેડ પત્રકારોની પત્રકાર પરિષદમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાર તાપી લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાસભ્ય અનંદ પટેલ માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. તે મરોલી કે આગ્રાની હોસ્પિટલમાં સારવાર લેવા માંગે તો સંપુર્ણ ખર્ચ હું ઉઠાવીશે. તે વાંસદા કે ધરમપુરથી ચૂંટણી લડે તો તેમને કારની ભેટ આપીશ.