સંખેડા પોલીસ સ્ટેશને નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની ધરપકડ કરાતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ગઈકાલે તા.૧૩ મેએ મોડીરાતે આશિષ જોષી અમદાવાદ ખાતે સંબંધીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે રામોલ પોલીસે તેમની અટકાયત કરી આજે તા.૧૪ મેએ સંખેડા પોલીસને સોંપ્યા હતા.
ઘટનાના પગલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આશિષ જોષીના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઊમટી પડતા રાજકીય માહોલ ગરમાયો હતો, અને કોંગ્રેસના નેતાની ધરપકડ કરનાર પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
સંખેડા પોલીસે આજે આશિષ જોષીને બોડેલી કોર્ટમાં રજૂ કરી ગુનાની વધુ તપાસ માટે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીની માગ કરી હતી. કોર્ટે આશિષ જોષીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે નોંધનીય છે કે તા.૨૪ એપ્રિલે સંખેડા પોલીસની ટીમે ઓરસંગ નદી પાસેથી કારમાંથી રૃા.૩.૯૬ લાખની કિંમતની દારુની ૨૯૯ બોટલ સાથે ડભોઇ ખાતે રહેતા પ્રમોદ પાંડેને પકડયો હતો. તેણે પોલીસ સમક્ષ આ દારુનો જથ્થો વડોદરાના આશિષ જોષીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
મહત્ત્વનું છે કે આ ગુનામાં આરોપી પ્રમોદ પાંડે દારુના જથ્થા સાથે ઝડપાયો હોવા છતાં ગણતરીના કલાકોમાં જ જામીન મળી જતા સમગ્ર કેસ શરુઆતથી જ શંકાસ્પદ હોવાનું જણાવી આશિષ જોષીએ પીઆઈની કામગીરી સામે પણ શંકા ઉઠાવી સુપ્રિમ કોર્ટ સુધી લડત લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
બદલાના ભાવથી રીઢા ગુનેગારની જેમ ધરપકડ કરાઈ ઃ કોંગ્રેસ
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે કે, હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે લડતા અને સત્તાપક્ષના ભ્રષ્ટાચારને ખુલ્લો કરતા આશિષ જોષીની બદલાના ભાવથી રીઢા ગુનેગારની જેમ ધરપકડ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે દારુ આવ્યો ક્યાંથી તેના મુળ સુધી પહોંચવાના બદલે આરોપીના નિવેદનથી રાજકીય અદાવતે ધરપકડ કરાઈ છે. ષડ્યંત્ર પાછળ જવાબદાર ધારાસભ્ય અને તેમના મળતિયાઓ સામે પણ કાયદાકીય લડત ચલાવાશે, એમ કોંગ્રેસે જણાવ્યું છે.
આ ગુનામાં ષડ્યંત્રપૂર્વક ફસાવવાનો પ્રયાસ છે ઃ આશિષ જોષી
આશિષ જોષીએ આ મામલે અગાઉ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમણે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પર વર્ષ ૨૦૨૩માં ખોટી જુબાની અપાવવાનો ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે રાજકીય દ્વેષભાવ રાખી ચૂંટણીમાં મને હરાવવા માટે અનેક પ્રયાસો થયા હતા.આ ગુનામાં મને ષડ્યંત્રપૂર્વક ફસાવવાનો પ્રયાસ કરાયો છે. આરોપી સહિત સંબંધિત લોકોનો નાર્કો ટેસ્ટની પણ માગ ઉઠાવી સત્તાધારી પક્ષના નેતાના ઇશારે કાર્યવાહી થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. ગુનાની તપાસ દરમિયાન ચાર્જશીટના દસ્તાવેજોમાં આ નિવેદન સત્તાવાર ગણવાની આશિષ જોષીએ માગણી કરી છે.


