Gujarat

સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ

By GS TEAM
11 Mar 20261 min read
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ

રાજકોટની પંચવટી સોસાયટી-૨માં બની રહેલા

કોંગ્રેસની કમિશનરને રજૂઆતઃ મેયરના પતિના સૂચિત ગેરકાયદે બાંધકામ બાદ વધુ એક વિવાદ

રાજકોટ: રાજકોટમાં કેટલાક વર્ષોથી મહાપાલિકા ભાજપમાં સત્તામાં રહેલા અનેક નેતાઓનો ધંધો જમીન મકાનનો હોય તેવા રહ્યા છે અને અનધિકૃત બાંધકામ, તેને છાવરવાના આક્ષેપો થતા રહ્યા છે. આજે અંતિમ સામાન્ય સભામાં વિપક્ષે રજૂઆત પત્ર પ્રદર્શિત કરીને ખુદ સ્થાયી સમિતિના ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

મ્યુનિ.કમિશનરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું કે વોર્ડ નં.૮માં પંચવટી સોસાયટી શેરી નં.૨માં બગીચાની બાજુમાં જયમીન ઠાકરનો નવો બંગલો બંધાઈ રહ્યો છે તેમાં પ્લાનથી વિપરીત માર્જીનમાં અને પોર્ચમાં બાંધકામ થઈ રહ્યું છે. આ અંગે સ્થળે તપાસ કરતા મજુરોએ જણાવ્યું કે આ બંગલો સ્ટે.કમિટિ ચેરમેનનો છે ત્યારે મનપાએ પદાધિકારીના બાંધકામમાં જ નિયમભંગ અંગે પગલા લેવા માંગણી કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા મેયરના પતિ વિનોદભાઈ પેઢડીયાના સંતકબીર રોડ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ અંગે પણ ટી.પી.દ્વારા કામ અટકાવી નોટિસ અપાઈ હતી. વિપક્ષના ઉપરોક્ત આક્ષેપ અંગે ચેરમેન કે ટી.પી.ઓ. દ્વારા કોઈ વિગતો જારી કરાઈ નથી.