Gujarat

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ

By GS TEAM
13 Jun 20262 mins read
ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ

ડેપ્યુટી કમિશનર તથા તેના મળતિયા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ

વેપારીઓની રિફંડની અરજીઓ મંજૂર કરાવવા બે ટકા સુધીનો તોડ કરી તથા અમરેલીના માનીતા અધિકારીને ભાવનગરમાં ચાર્જ આપી ભ્રષ્ટાચાર આચર્યો

ભાવનગરજીએસટીને લઈને વિવાદમાં રહેલા ભાવનગરમાં થોડાં દિવસો પૂર્વે સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પીએમઓમાં રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ હવે સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારી અને તેમના મળતિયાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં થતાં ભારે ચકચાર મચી છે.

ભાવનગરના સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં થોડાં દિવસો પૂર્વે શિપબ્રેકરો દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે વિજલન્સ તપાસ પણ આવ્યા બાદ સેન્ટ્રલ જીએસટીના ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ હતી. જે બાદ હવે સ્ટેટ જીએસટીના ડેપ્યુટી કમિશનર અને તેના મળતિયાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયમાં થઈ છે અને તેની એક કોપી મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ મોકલવામાં આવી છે. પીએમઓમાં કરેલી ફરિયાદ પ્રમાણે ડેપ્યુટી કમિશનર તેના પતિ સાથે મળી વેપારીઓ સાથે તોડજોડ કરતા હોવાના તથા વેપારીઓના રિફંડની અરજીઓ મંજૂર કરવા માટે તેમના ઈન્સ્પેક્ટર મારફત બે ટકા સુધીનો તોડજોડ કરી રિફંડ મંજૂર કરવામાં આવતું હોવાના આક્ષેપ થયાં છે. તેમજ ભાવનગરમાં અધિકારી હોવા છતાં અમરેલીના માનીતા અધિકારીને ઘટક-૭૫ તેમજ ૭૬માં વધારાનો ચાર્જ આપી મલાઈદાર ઓડિટના કેસો, સ્ક્રુટિની, સમન્સ, તેમજ તપાસના કેસો માનીતા અધિકારીને આપી તોડ કરવામાં આવતો હોવાના, તેમજ આ બાબત જોઈન્ટ કમિશનર જાણતા હોવા છતાં મૌન હોવાના આક્ષેપ થયાં છે. હવે જોવું રહ્યું કે, શિપબ્રેકરોની સીજીએસટી અધિકારીઓ સામેની ફરિયાદમાં જેમ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી તેમ હવે એ.ટી.રાઠોડ નામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ભાવનગર એસજીએસટી વિભાગમાં તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે કે નહી.