Gujarat

વિન્ડ ફાર્મ સર્વેયરને ધોલધપાટ કરી રૂા.4200 લૂંટી લેતા ફરિયાદ

By GS TEAM
14 Oct 20251 min read
વિન્ડ ફાર્મ સર્વેયરને ધોલધપાટ કરી રૂા.4200 લૂંટી લેતા ફરિયાદ

સાવરકુંડલાના મઢડા ગામે બનેલો બનાવ

પવનચક્કી કોન્ટ્રાક્ટરના પ્રતિસ્પર્ધીની ટોળકીએ સર્વેની ફાઇલ અને રોકડ રકમ ઝૂંટવી લીધી

અમરેલી: સાવરકુંડલા, મહુવા, રાજુલા તાલુકામાં પવનચક્કી સ્થાપવા માટે એક કોન્ટ્રાક્ટરે ઇજારો રાખ્યો હતો. તેમજ સર્વે કામગીરી કરવા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ વખતે તેના પ્રતિસ્પર્ધીએ આ કોન્ટ્રાક્ટની માગણી કરતા તેનો ઇન્કાર કરતા મૂળ કોન્ટ્રાક્ટરના સર્વેયરને આંતરી ૧૧ શખ્સોએ હુમલો કરી સર્વે ફાઇલ તથા રૂા.૪૨૦૦ની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપતા સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ જનકભાઇ અનકભાઇ વિંછીયા (રે. મુળ રબારીકા, હાલ અમરેલી)ના રહેવાસીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે સાવરકુંડલા, મહુવા, રાજુલા, પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી ફિટ કરવાનો, સર્વેનો કોન્ટ્રાક્ટ તેણે રાખેલ હતો. જે કામ અશોક જયતાભાઇ બોરીચા રાખવા માંગતો હતો અને સર્વે કરવા રૂપિયાની માંગણી કરેલ હતી. પરંતુ તેનો ઇન્કાર કરતા રાગદ્વેષ રાખ્યો હતો. ગત તા.૯ના રોજ કોન્ટ્રાક્ટર વતી ધર્મેન્દ્ર જેઠવા નામના સર્વેયર મઢડા ગામે સર્વે કામગીરી કરતા હતા. ત્યારે અશોક જયતાભાઇ બોરીચા, બાલસિંગ બોરીચા, ગૌત્તમ ખુમાણ, પૃથ્વીરાજ ખુમાણ, મહેશ વાળા, કમલેશ વાળા, કુલદિપ ખુમાણ તેમજ ચાર અજાણ્યા શખ્સો કારમાં ધસી આવેલ હતા. સર્વે કરી પરત જઇ રહેલા ધર્મેન્દ્ર જેઠવાને મારમારી સર્વેની ફાઇલ તેમજ રોકડ રકમ રૂા.૪૨૦૦ની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપેલ હતી. લૂંટ અને મારામારીની ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી ગયેલ હતી.