Gujarat

વીડીમાં ચરતાં ઢોરોને ડબ્બે પૂરવા લઈ જતા વન કર્મીઓ સાથે ઝપાઝપી

By GS TEAM
21 Nov 20252 mins read
વીડીમાં ચરતાં ઢોરોને ડબ્બે પૂરવા લઈ જતા વન કર્મીઓ સાથે ઝપાઝપી

ગોંડલનાં ખડવંથલી ગામે પશુપાલકો ઝઘડો કરી 45 પશુ છોડાવી ગયા

વનવિભાગની પાંચ ફૂટ ઊંચી રક્ષણ દીવાલનો ભાગ તોડી રૂા.૨૧ હજારનું નુકસાન કર્યું,સાત શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

ગોંડલ: ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે આવેલી વન વિભાગનીઅનામત ચરિયાણ વીડીમાં વારંવાર પશુઓને ચરવા છોડી દેવાતાં એકશન લઈ ૪૦થી ૪૫ પશુઓને વનકર્મીઓ ઢોરના ડબ્બે લઈ જવા હાંકીને જતા હતા એ વખતે હડમડીયા ગામના માલધારીઓએ બોલાચાલી કરી વનકર્મીઓના હાથમાંથી લાકડીઓ ઝૂંટવી લઈ તમામ પશુઓને પોતાના આશ્રય તરફ હાંકી જતા સાત જેટલા શખ્સો સામે ફરજમાં રૂકાવટ કર્યાની અને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વધુ વિગત મુજબ ગોંડલની ફોરેસ્ટ રેન્જ કચેરીમાં ફરજ બજાવતા સહદેવસિંહ જુવાનસિંહ ચુડાસમા અને તેની સાથેના અન્ય ત્રણ વ્યકિત વહેલી સવારે સરકારની માલિકીની ખડવંથલી વીડીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે વીડીમાં આશરે ૪૦થી ૪૫ પશુઓ ચરતા જોયા હતા. વળી આવી વાંરવાર ઘટનાઓ બનતા વીડીમાં નુકસાન થતું હોવાથી આ સ્ટાફે બધા પશુઓને ત્યાંથી હાંકી વનવિભાગે બનાવેલા કોલીથડ બેટાવડ રોડ પરના ઢોરના ડબ્બામાં પૂરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા દોરી જતાં હતા. આ વખતે રસ્તામાં ઢોરના માલિક છગન ટીંબા રાણીંગા, વજુ ટીંબા રાણીંગા, ઈન્દુ છગન, રાજુ  છગન, શૈલેષ છગન અને એની સાથેના અજાણ્યા શખ્સોએ વનકર્મીઓને રોકી પૂછપરછ કરતા આ પશુઓને દંડનીય કાર્યવાહી કરવા ડબ્બે પૂરવા લઈ જઈએ છીએ એમ કહેતા બધા ઉશ્કેરાઈને ગાળો ભાંડવા લાગ્યા હતા અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. 

આ શખ્સોએ વનવિભાગે વીડી રક્ષણ માટે બનાવેલી  પ ફૂટ ઉંચી દીવાલ તોડીને નુકસાન કરતા આ તમામ સામે પોલીસમાં રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.