Get The App

પાદરામાં પાણી ભરેલા રસ્તા પર પડેલા ખુલ્લા વીજ વાયરથી બાળકનું મોત, સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ!

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
પાદરામાં પાણી ભરેલા રસ્તા પર પડેલા ખુલ્લા વીજ વાયરથી બાળકનું મોત, સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ! 1 - image


Baroda News : વડોદરાના પાદરા નગરમાં વીજ કંપની અને નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. ટ્યુશન પતાવીને ઘરે પરત ફરી રહેલા 11 વર્ષીય વિદ્યાર્થી નક્ષ જૈમીનભાઈ સોનીનું રસ્તા પર તૂટીને પડેલા વીજ વાયરમાંથી કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જોખમ અંગે 3-4 દિવસ પહેલા જ વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.

બેદરકારીનો ભોગ બન્યો માસૂમ નક્ષ

પાદરાની ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો નક્ષ જૈમીનભાઈ સોની (ઉ.વ. 11) ઝેન સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. બુધવારે (23 જુલાઈ) સાંજે તે ટ્યુશન પતાવીને પોતાની સાયકલ પર ગુ.હા.બોર્ડ પાસેના વોર્ડ નં.3 પાસેથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તા પર ગટર અને વરસાદી પાણી ભરાયેલા હતા, અને તેમાં અચાનક તૂટી પડેલો એક વીજ વાયર પડ્યો હતો, જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો હતો. નક્ષને આ અંગે કોઈ જાણ નહોતી. તે પાણીમાંથી સાયકલ લઈને પસાર થતાં જ તેને કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેનું દર્દનાક મોત નીપજ્યું.

સ્થાનિકોની વારંવારની રજૂઆતો અવગણાઈ

આ ઘટના બાદ પાદરા નગરમાં શોક સાથે આક્રોશનો માહોલ છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ જર્જરિત વીજ વાયર અને રસ્તા પર ભરાતા પાણી અંગે ત્રણથી ચાર દિવસ પહેલા જ સ્થાનિકો દ્વારા GEB (વીજ કંપની)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં વીજ કંપની કે નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી કે કોઈ નિવારક પગલાં લેવાયા નહોતા. અગાઉ પણ આ વિસ્તારમાં આવા જોખમો અંગે અનેક વખત રજૂઆતો કરાઈ હતી.

આ પણ વાંચો: VIDEO: આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ

નગરપાલિકા અને વીજ કંપની બંનેની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે. સ્થાનિકોએ આ ઘટનાની તાત્કાલિક અને ન્યાયિક તપાસની માગ કરી છે. જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં ભરીને દાખલો બેસાડવામાં આવે તેવી તેમની પ્રબળ રજૂઆત છે. આ દુર્ઘટના શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓની જાળવણી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યે તંત્રની બેદરકારી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

Tags :