સગીરે રોન્ગ સાઇડમાં ચાલાવતા બાઇક સાથે ટકરાતા મિત્રનું મોત

અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં સગીરને વાહન ચલાવવા આપતા અક્સ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. બાપુનગરમાં એક્ટિવા ચાલક ૧૭ વર્ષનો સગીર ત્રણ સવારી રોંગ સાઇડમાં વાહન ચલાવીને બાઇક સાથે અથડાવતા પડોશમાં રહેતા મિત્રનું મોત થયું હતું. આ બનાવમા ડ્રાઇવિંંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં શ્યામ શિખર પાસે અકસ્માતથી બેભાન હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો
બાપુનગરમાં યુવકે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષના સગીર સામે ફરિયાદ કરી છે કે તેમનો ૨૦ વર્ષનો પુત્ર તા.૨૦-૧૦-૨૫ના રોજ રાતે તેના બે મિત્રો સાથે એક્ટિવા ઉપર બેસીને મેમ્કો તરફ જમવા જતા હતા. તે સમયે સગીર એક્ટિવા ચલાવતો હતો. બાપુનગરમાં શ્યામ શિખર પાસેથી રોન્ગ સાઇડમાં જતો હતો
ત્યારે બાઇક સાથે એક્ટિવા અથડાવતા ત્રણેય મિત્રો અને બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ રોડ પર પટકાતા ઇજાઓ પહોચી હતી. જો કે ફરિયાદીના દિકરાને માથા તથા કપાળે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.








