છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ

Chhota Udaipur Crime: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાની 8 માસની દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ બુધવારે (26 નવેમ્બર) સવારે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, પીપળસટ ગામની સંગીતા બહેન નામની મહિલાએ બુધવારે (26 નવેમ્બર) પહેલા પોતાના પતિ ગિરીશભાઈને બજારમાં દૂધ અને બિસ્કિટ લેવા માટે મોકલ્યો હતો. પતિ જ્યારે બહાર ગયો ત્યારે મહિલાએ પોતાની 8 માસની દીકરી અંશિકાને પાણીની હોજમાં ડૂબાડી અથવા અન્ય કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીનું મોત નિપજાવ્યા બાદ મહિલાએ ઘરની નજીક આવેલા લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પતિ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેની 8 માસની દીકરીને પાણીની હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી. ત્યારબાદ પત્ની ઘરે ન દેખાતા તેની તપાસ કરી તો તેણે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બાળકી અને મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે. પોલીસે આ મામલે પતિ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતનું ચોંકાવનારૂ કારણ?
પ્રાથમિક તપાસમાં આપઘાતના કારણનું અત્યંત દુઃખદ અને ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના પિતા તેને પાછી લઈ જશે તે વાતનો તેને ડર હતો. ડરના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

