Get The App

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી 1 - image
AI IMAGE

BLO Protest in Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા બૂથ લેવલ ઑફિસર્સ(BLO) એ કામગીરીના ભારણ અને વહીવટી તંત્રના દબાણ સામે બાયો ચઢાવી છે. આજે ખોખરા સ્થિત કે. કે. શાસ્ત્રી કૉલેજ ખાતે 200થી વધુ BLOએ એકત્ર થઈને ધરણા યોજ્યા હતા અને ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવેલી 'મેપિંગ'ની કામગીરીને અવ્યવહારુ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

BLOના જણાવ્યા અનુસાર, શરુઆતમાં ચૂંટણી પંચ દ્વારા તેમને માત્ર ASD મતદારોના ફોર્મ સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે અચાનક કામગીરીમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે દરેક મતદારનું 'મેપિંગ' કરવાની સૂચના આપવામાં આવી છે, જે ખૂબ જ અધરી પ્રક્રિયા છે.

આ પ્રક્રિયા અંતર્ગત BLOએ મતદાર દ્વારા ભરેલા ફોર્મની નીચે 2002ના એસઆઇઆર (SIR) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર સામાન્ય માહિતી આપી દે છે, પરંતુ તેની નીચેની જટિલ વિગતો BLOએ જાતે શોધવી પડે છે. આ માટે તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને ઓનલાઇન નામ શોધી, વ્યક્તિની ચોક્કસ ઓળખ કરી અને ત્યારબાદ જ વિગતો ભરવાની હોય છે, જે ખૂબ જ સમય માંગી લેતી અને કપરું કામ છે.

અધિકારીઓ દ્વારા દબાણ અને નોટિસની ધમકી 

ધરણા પર ઉતરેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી અધિકારીઓ દ્વારા કામ ઝડપથી પૂરું કરવા માટે અસહ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. BLOની દિનચર્યા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'અમે બપોરે 1:00 વાગ્યા સુધી કે. કે. શાસ્ત્રી કૉલેજમાં કામ કરીએ છીએ અને ત્યાંથી સીધા ફિલ્ડમાં જઈએ છીએ. પરંતુ બપોરે 3:00 વાગ્યે ફરીથી કૉલેજમાં હાજર થવા માટે દબાણ કરવામાં આવે છે.'

જો કોઈ કર્મચારી 3 વાગ્યે હાજર ન થઈ શકે તો તેમને નોટિસ ફટકારવાની ધમકી આપવામાં આવે છે. વ્હોટ્સએપ ગ્રૂપમાં નાયબ મામલતદાર અને મામલતદાર કક્ષાના અધિકારીઓ દ્વારા સતત મેસેજ કરીને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ BLO દ્વારા કરવામાં આવ્યા છે. આમ, એક તરફ ટેકનિકલ અને ગૂંચવણભરી કામગીરી અને બીજી તરફ અધિકારીઓના સતત દબાણને કારણે અમરાઈવાડીના BLOમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :