Gujarat

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં 'રાજકીય રંગ' લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારો નિમિત્તે ભરાતા પરંપરાગત મેળામાં હવે રાજકારણ ગરમાયું છે. તાલુકાના રજૂવાંટ ગામે આયોજિત 'ભંગુરિયા' મેળામાં ભાજપના નેતાઓ પક્ષના ઝંડા સાથે નજરે પડતા વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ આ મામલે ભાજપના સાંસદ સહિતના નેતાઓનો ઉધડો લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં 'રાજકીય રંગ' લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Chhota Udepur Political Dispute: છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારો નિમિત્તે ભરાતા પરંપરાગત મેળામાં હવે રાજકારણ ગરમાયું છે. તાલુકાના રજૂવાંટ ગામે આયોજિત 'ભંગુરિયા' મેળામાં ભાજપના નેતાઓ પક્ષના ઝંડા સાથે નજરે પડતા વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ આ મામલે ભાજપના સાંસદ સહિતના નેતાઓનો ઉધડો લીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

છોટાઉદેપુર તાલુકાના રજૂવાંટ ગામે છેલ્લા પાંચ વર્ષથી સામાજિક આગેવાનોના સહયોગથી 'રૂરલ હાટ' ખાતે ભંગુરિયા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ પર હોવાથી બંને રાજ્યોના આદિવાસી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ વર્ષે મેળા દરમિયાન ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા અને અન્ય નેતાઓ પક્ષના ઝંડાઓ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૂદતા જોવા મળ્યા હતા, જેને લઈને સામાજિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે.

"સામાજિક કાર્યક્રમોને 'રાજકીય રંગ' ન આપો" 

આ ઘટના અંગે AAP નેતા અને છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાએ આકરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે, "સામાજિક કાર્યકર્તાઓએ ભેગા મળીને આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ અહીં આવીને પક્ષનો પ્રચાર કરી પોતાનો રોફ જમાવી રહ્યા છે. જો સામાજિક મેળાઓમાં તમામ પક્ષો પોતાના ઝંડા લઈને આવશે, તો લોકો વચ્ચે જૂથવાદ અને ઘર્ષણ ઊભું થશે. આવી સ્થિતિમાં જવાબદારી કોની રહેશે?" 

"સાંસ્કૃતિક મેળાને રાજકારણનું અખાડો ન બનાવો"

વિનુ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, "સામાજિક કાર્યક્રમોમાં આ પ્રકારે ઝંડા લાવીને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ બંધ કરવું જોઈએ. જો સમાજની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવશે, તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું. ચૂંટણી આવે ત્યારે તમે ઝંડા લઈને કૂદો તેની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ પરંપરાગત સાંસ્કૃતિક મેળાને રાજકારણનું અખાડો ન બનાવો." 

આ પણ વાંચો: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભવિષ્યમાં વિરોધની ચીમકી

વિનુ રાઠવાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં યોજાનારા કોઈપણ ભંગુરિયા મેળામાં રાજકીય પક્ષોના ઝંડાઓ લાવીને સંસ્કૃતિનું અપમાન કરવામાં આવશે, તો તમામ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને તેનો સખત વિરોધ કરવામાં આવશે.

ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી પટ્ટામાં સાંસ્કૃતિક મેળામાં થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.