અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
Darshan-Aarti Timings Change at Ambaji Temple : આજે બુધવારથી અંબાજી મંદિરના દર્શન અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકુટ બંધ રહેશે.
આ પણ વાંચો : ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના નવા સમયપત્રક મુજબ, સવારની આરતી 7:00થી 7:30 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ દર્શન સવારે 7:30થી 10:45 વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરે 12:30થી 1:00 વાગ્યા સુધી રાજભોગ આરતી થશે, જ્યારે બપોરના દર્શન 1:00થી 4:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સાંજની આરતી 7:00થી 7:30 વાગ્યા દરમિયાન રહેશે અને રાત્રે 7:30થી 9:00 વાગ્યા સુધી યાત્રાળુઓ દર્શન કરી શકશે, તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે અંબાજી મંદિર ભટ્ટજી મહારાજ, જયસીલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, 'આજથી એટલે કે અખાત્રીજની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. કારણ કે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં માતાજીને સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ સ્નાન વિધિ અને પૂરો શણગાર બદલવામાં આવે છે. જેથી કરીને બપોરે રાજભોગના સમયમાં ફેરફાર થાય છે, જ્યારે સાંજની આરતી રાબેતા મુજબ 7 વાગ્યાની હોય છે.'
26 જૂન 2025 સુધી રહેશે આ સમય
આ નવો સમય વૈશાખ સુદ-3 (30 એપ્રિલ, 2025)થી અષાઢ સુદ-1 (26 જૂન, 2025) સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ સમયગાળા દરમિયાન માતાજીનો અન્નકૂટ બંધ રહેશે. ટ્રસ્ટે તમામ ભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી કરી છે.