Get The App

ચંડોળા ડિમોલિશન : 2021માં બિહારી લલ્લા વિરુદ્ધ લેખિત ફરિયાદ થઇ હતી પણ કોઈ કાર્યવાહી ન કરાઈ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
ચંડોળા ડિમોલિશન : 2021માં બિહારી લલ્લા વિરુદ્ધ લેખિત ફરિયાદ થઇ હતી પણ કોઈ કાર્યવાહી ન કરાઈ 1 - image


Lal Bihari Against complaint in 2021 : ચંડોળા તળાવમાં માટીનુ પુરાણ કરી લલ્લા પઠાણે બારોબાર પાર્ટી પ્લોટ બાંધી દીધો હતો. વર્ષ 2021માં પાર્ટી પ્લોટનું બાંધકામ થઇ રહ્યુ હતું. આ જ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો ગોડાઉન-દુકાનો બાંધી દીધી ત્યારે  શહેર પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાંય આ મામલે કોઇ કાર્યવાહી જ કરવામાં આવી ન હતી. 

ચંડોળા તળાવમાં રોજ 40 ટ્રેકટર માટી નાંખી પુરાણ કરાતાં પોલીસ કમિશનરને જાણ કરાઇ હતી 

ચંડોળા તળાવના પાછળના ભાગે મોટાપાયે ગેરકાયદેસર દબાણો થઇ રહ્યાં છે. જો આ દબાણો હટાવવામાં નહી આવે તો, ચંડોળા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં અવરોધ ઉભો થઇ શકે તેવા મુદ્દો ઉભો કરીને મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે વર્ષ 2021માં શહેર પોલીસ કમિશનર,કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને લેખિતમાં જાણ કરી હતી. લલ્લાખાન પઠાણે ગેરકાયેદસર દબાણ કરીને પાર્ટી પ્લોટ ઉભો કર્યો છે. એટલુ જ નહીં, સરકારી જમીનમાં પાર્ટી પ્લોટ બનાવી લગ્ન પ્રસંગે ભાડે આપી મોટી રકમ મેળવે છે. 

આ પણ વાંચો: કોણ છે ચંડોળા તળાવનો સરતાજ બની બેઠેલો લલ્લા બિહારી? અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું તેનું ફાર્મ હાઉસ

આ ઉપરાંત અન્ય સ્થાનિક લોકોએ પણ સિમેન્ટના ગોડાઉન અને દુકાનો બનાવી દીધી છે. રોજ 40-50 ટ્રેક્ટર માટી નાંખી પુરાણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ ગેરકાયેદસર પાર્ટી-પ્લોટ,દુકાનો અને ગોડાઉન તોડી પાડવામાં આવે. ચંડાળા તળાવની આસપાસ ગેરકાયેદસર બાંધકામો તોડી પાડીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ લેખિત ફરિયાદ છતાં ય પોલીસ કે મ્યુનિસિપલ સત્તાધીશોએ ઘ્યાન આપ્યુ ન હતું.

એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, જો મ્યુનિ.સત્તાધીશોએ ચંડોળા તળાવ પ્રત્યે પુરતુ ઘ્યાન આપ્યુ હોત તો, કદાચ ગેરકાયદેસર દબાણો થયા ન હોત. મ્યુનિ.કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે જ અસામાજીક તત્ત્વોને ફાવતુ ફાવ્યુ છે. હવે જ્યારે ઘૂષણખોરોનો મુદ્દો ઉછળ્યો છે, ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દબાણો તોડીને કામગીરીનો દેખાડો કરી રહ્યું છે. હકીકતમાં, સ્થાનિકોએ એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો અસામાજિક તત્ત્વોએ કરેલાં ગેરકાયેદસર દબાણો તોડવામાં નહી આવે તો, ચંડોળા બચાવ અભિયાન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરીશું. 


Tags :